ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં જમીનનો ફરીથી રિ સર્વે કરાવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની જાણકારી આપી હતી. આ સાથે જ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે લીધેલા નિર્ણયને રદ્દ કર્યો છે.
નવો જમીન રિ સર્વે શા માટે?
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ભૂતકાળમાં જમીન માપણીના સર્વે માટે જે એજન્સીઓને કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન ઘોંચમાં પડી ગઈ હતી. સરકારને પણ જુના રી-સર્વેને લઈ અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશા બદલાય ગયા હતા, ખેડૂતોના નામ બદલાઈ ગયા હતા. જે બાદ સરકારે નવેસરથી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.
રૂપાણી સરકારે રૂ. 700 કરોડનું કર્યું આંધણ
રાજ્યની વિજય રૂપાણીની સરકારે જમીન રિ સર્વે માટે એજન્સીને અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવાની કવાયત શરૂ કરી છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે તે તે સમયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યભરનાં જમીનના તમામ સર્વે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિજીટલલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી જમીન માપણી અંગે જમીન રી-સર્વેની કામગીરી હાથ ધરી હોવાની શેખી મારી હતી.
પાઇલોટ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકાથી શરૂ થશે
સમગ્ર રાજ્યમાં ફરીથી શરૂ થનારા જમીનના રિ સર્વેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવષે. નવેસરથી થનારા જમીન રિ સર્વેમાં પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનનો ઉપયોગ કરાશે. જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.
ગુજરાતના ખેડૂતો માટે કોંગ્રેસના સંઘર્ષની જીત @BJP4Gujarat સરકારે ભ્રષ્ટાચારી "નવી જમીન માપણી" રદ્દ કરી એ ગુજરાતના ખેડૂતોની જીત છે.
નવી જમીન માપણીમાં ભ્રષ્ટાચાર ની મેં છેક 2009 માં ફરિયાદ કરી હતી. 5.28 લાખ ખેડૂતોએ પૂનઃ માપણીની માંગ કરી હતી.
10 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો.
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 11, 2023
અર્જુન મોઢવાડિયાએ સરકારની ઝાટકણી કાઢી
ગુજરાતના ખેડૂતો માટે કોંગ્રેસના સંઘર્ષની જીત @BJP4Gujarat સરકારે ભ્રષ્ટાચારી "નવી જમીન માપણી" રદ્દ કરી એ ગુજરાતના ખેડૂતોની જીત છે.
નવી જમીન માપણીમાં ભ્રષ્ટાચાર ની મેં છેક 2009 માં ફરિયાદ કરી હતી. 5.28 લાખ ખેડૂતોએ પૂનઃ માપણીની માંગ કરી હતી.
10 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટરના માધ્યમથી સરકારના જમીન રિ સર્વેના નિર્ણયની ઝાટકણી કાઢી હતી. તેમણે "નવી જમીન માપણી" રદ્દ કરવામાં આવી તેને ગુજરાતના ખેડૂતોની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે નવી જમીન માપણીમાં ભ્રષ્ટાચારની મેં છેક 2009માં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 5.28 લાખ ખેડૂતોએ પૂનઃ માપણીની માંગ કરી હતી. અંતે 10 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો છે.