લાલુ યાદવના પુત્ર અને બિહારના પર્યાવણ મંત્રી તેજ પ્રતાપ યાદવ પોતાના નિવેદનના કારણે વિવાદોમાં રહેતા હોય છે. ત્યારે વધુ એક વખત તે ચર્ચામાં છે. દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળની કાર્યકારિણીની બેઠક અધવચ્ચેથી છોડી તેઓ બહાર નીકળી ગયા હતા. બહાર નીકળી તેમણે મીડિયા સમક્ષ તેમની પાર્ટીના નેતા શ્યામ રજક પર ગાળો દેવાના આરોપ લગાવ્યા હતા અને શ્યામ રજકને RSS એજન્ટ કહ્યા હતા.
ફરી એકવાર પાર્ટીનો આંતરિક વિવાદ આવ્યો સામે
રાષ્ટ્રીય જનદા દળ પાર્ટીની રાષ્ટ્રીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં તેજપ્રતાપ યાદવ પણ હાજર રહ્યા હતા. પરંતુ ચાલુ બેઠકે તેજપ્રતાપ યાદવ બેઠક છોડીને બહાર આવી ગયા હતા અને મીડિયા સમક્ષ પાર્ટીના નેતા શ્યામ રજક પર આરોપો લાગવ્યા હતા. તેજ પ્રતાપે કહ્યું કે, "મારા PAએ જ્યારે શ્યામ રજકને બેઠકના સમય અંગે પૂછ્યું ત્યારે તેમણે મને મા-બેનની ગાળો આપી હતી મારી પાસે તેનો ઓડિયો છે. હું આ ઓડિયોને મારા સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરીશ. આવા ભાજપના માણસને હું સંગઠનની બહાર કરીને રહીશ".
સમગ્ર મામલે શ્યામ રજકે શું પ્રતિક્રિયા આપી?
લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપના આક્ષેપ સામે જ્યારે શ્યામ રજકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "મારે આ અંગે કંઈ નથી કહેવું, તેજપ્રતાપ શક્તિશાળી છે, જયારે હું સામાન્ય અનુસૂચિત જાતિનો વ્યક્તિ છું."