બદલી કેમ્પ યોજવા માટે શિક્ષકો ઉગ્રતાથી માગ કરી રહ્યા છે ત્યારે આજે તેની તરફેણમાં લલીત વસોયા અને ગુલાબસિંહ રાજપૂત આવ્યા છે. ગુલાબસિંહ રાજપૂત અને લલીત વસોયાએ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પત્ર લખી સુધારા ઠરાવ કરી તાત્કાલિક શિક્ષકોનો બદલી કેમ્પ યોજવા માટે માગ કરી છે.
ધારાસભ્ય લલીત વસોયાએ શું ભલામણ કરી?
લલીત વસોયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ટૂંક સમયમાં આચાર સંહિતા લાગુ થઈ જશે ત્યારબાદ સરકાર કોઈ જાહેરાતો કે યોજનાઓ બહાર નહીં પાડી શકે એવામાં શિક્ષકોની જિલ્લાફેર બદલી માટે કેમ્પ યોજવા માગ કરી છે. તેમણે લખ્યું છે કે હાઈકોર્ટના ચુકાદા મુજબના ઠરાવ સાથે તાત્કાલીક કેમ્પની તારીખો જાહેર કરો. જિલ્લા ફેરબદલી કેમ્પ થશે તો શિક્ષકો મુક્ત મને શૈક્ષણિક કાર્ય કરી શકશે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
ગુલાબસિંહ રાજપૂતે પત્રમાં શું માગ ઉઠાવી?
ગુલાબસિંહ રાજપૂતે પત્રમાં લખ્યું છે કે જ્યાં બદલી કેમ્પ થયા છે ત્યાં શિક્ષકોની ખાલી જગ્યાના 40 ટકા પ્રમાણે કેમ્પ થયા છે. જગ્યાઓ ખાલી હોવા છતાં જિલ્લા ફેર બદલીના લાભ શિક્ષકોને નથી આપવામાં આવતા તેનો લાભ તાત્કાલીક આપવામાં આવે. તેમણે વધુમાં લખ્યું છે કે 20-25 વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ શિક્ષકોને બદલીનો લાભ નથી મળ્યો.
શું હોય છે બદલી કેમ્પ?
ગુજરાતના તમામ જિલ્લાની સરકારી શાળામાં શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. પરંતુ જે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે તે વિવિધ જિલ્લાના હોય છે. તેમની માગણી હોય છે કે તેમને તેમના વતન વિસ્તારમાં કામગીરી કરવા મળે. જેથી શિક્ષકોની ફેરબદલીના કેમ્પ જાહેર કરવામાં આવતા હોય છે. આંતર જિલ્લા, જિલ્લા સ્તરની અને આંતરિક જિલ્લાની બદલી એમ અનેક પ્રકારના કેમ્પ યોજાતા હોય છે.
ગત વર્ષે 2021માં શિક્ષકોની ફેરબદલીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેની પહેલા વર્ષ 2019 અને વર્ષ 2016માં બદલી કેમ્પનું સરકારે આયોજન કર્યું હતું. ગત 20 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટે શિક્ષકોના પક્ષમાં ચુકાદો આપ્યો છે ત્યારે હાલ શિક્ષકો બદલી કેમ્પ યોજવા માટે સરકાર સામે માગ ઉઠાવી રહી છે.