ભાજપના નેતા અને સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી આર્થિક મુશ્કેલીઓ સંદર્ભે એક પત્ર લખી તેમની સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવાની વિનંતી કરી છે.
કુમાર કાનાણીએ પત્રમાં શું લખ્યું?
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને અવારનવાર વિદ્યાર્થીઓ અને તમના વાલીઓ ફરિયાદ કરતા હતા. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે મળતી આર્થિક સહાય છ-છ મહિના પછી પણ મળતી નથી. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના કારણે અંતે મુખ્યમંત્રીને પત્ર લખી આ મુદ્દે ધ્યાન દોર્યું છે. કુમાર કાનાણીએ તેમના પત્રમાં CM ભૂપેન્દ્ર પટેલને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સમયસર લોન આપવાની માંગ કરી છે. તે ઉપરાંત કાનાણીએ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રીને નિગમની કામગીરી સુધારવા માટે અપિલ કરી છે.