થોડા સમય પહેલા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો જેમાં પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો તેમજ લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા કહેવામાં આવ્યું હતું. જે બાદ લક્ઝરી બસની મુસાફરી કરતા લોકોને શહેરની બહાર ઉતારવામાં આવ્યા હતા. આ નિર્ણયને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વધુ એક પત્ર કુમાર કાનાણીએ લખ્યો છે જેમાં તેમણે સુરત શહેરમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારોમાં સ્લીપીંગ એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે.
મુખ્યમંત્રી તેમજ હર્ષ સંઘવીને લખ્યો પત્ર
અનેક વખત લક્ઝરી બસને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પ્રતિબંધિત સમય દરમિયાન લક્ઝરી બસને શહેરમાં ન પ્રવેશવા દેવાય તે માટે સુરતના ધારાસભ્યે પત્ર લખ્યો હતો. જે બાદ લકઝરી બસ મુસાફરોને શહેરની બહાર ઉતારવા લાગ્યા. જેને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કુમાર કાનાણીએ વધુ એક લેટર લખ્યો છે જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં એસટી સ્લીપિંગ બસ શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. મુખ્યમંત્રીની સાથે સાથે તેમણે પત્ર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પણ લખ્યો છે.
સ્લીપિંગ એસટી બસ શરૂ કરવા કરી રજૂઆત
મળતી માહિતી અનુસાર કુમાર કાનાણીએ જે પત્ર લખ્યો છે તેમાં એસટી બસ શરૂ કરવાની માગ કરવામાં આવી છે. કુમાર કાનાણીએ પત્રમાં માગ કરી છે કે પુણા, વરાછા, કારગામ સહિત વિસ્તારોમાં સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવામાં આવે.ધંધા અર્થે અનેક લોકો સુરત આવતા હોય છે જેને કારણે ખાનગી બસ સેવાનો ઉપયોગ કરવો પડે છે. ખાનગી બસ દ્વારા મન ફાવે તેટલા ભાડાના રકમની વસૂલી કરવામાં આવે છે. ત્યારે લોકોની માગ છે કે ખાનગી બસના રૂટનો સર્વે કરીને રૂટ પ્રમાણે સરકારી બસો શરૂ કરવામાં આવે.