ગુજરાતીઓને ફરવાના શોખિન માનવામાં આવે છે. નવી નવી જગ્યાઓની મુલાકાત લેવી ગુજરાતીઓને પસંદ હોય છે.રાજ્ય બહાર આવેલા પર્યટક સ્થળ વિશે લોકોને ખબર હશે પરંતુ ગુજરાતમાં આવેલા પર્યટક સ્થળો વિશે કદાચ ખબર નહીં હોય. કુદરતી સૌંદર્યને જોવા માટે લોકો ગુજરાતની બહાર જાય છે પરંતુ ગુજરાતમાં આવેલા કુદરતી સૌંદર્ય વિશે જાણ પણ નહીં હોય. ગુજરાતના અનેક જિલ્લાઓ છે જ્યાં પ્રકૃતિ સોળે કલાએ ખીલેલી જોવા મળે છે.
શિક્ષણમંત્રી બન્યા માનગઢ હિલ્સ આવેલા પ્રવાસીઓના ગાઈડ
અમે વાત કરી રહ્યા છીએ મહિસાગરમાં આવેલા માનગઢ હિલ્સની. ગુજરાતમાં પણ એવી અનેક ફરવા લાયક જગ્યા છે જ્યાં આપણે જઈએ તો બહારના દ્રશ્યો આપણે ભૂલી જઈએ. અમે આજે પર્યટક સ્થળોની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે શિક્ષણ મંત્રી ખુદ પ્રવાસીઓના ગાઈડ બન્યા હતા. વડોદરાના પ્રવાસીઓ માનગઢ હીલ ખાતે આવેલા ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન ફરવા ગયા હતા ત્યાં તેમના માર્ગદર્શક શિક્ષણમંત્રી પોતે બન્યા હતા. સ્થળ વિશેની માહિતી કુબેર ડિંડોરે આપી હતી.
વડોદરાના પ્રવાસીઓને સ્થળના ઈતિહાસ વિશે માહિતીગાર કરાયા!
આદિવાસી વિસ્તાર અનેક રોચક ઈતિહાસ ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિ એમ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. એક તરફ આદિવાસી વિસ્તારના લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે તો બીજી તરફ પ્રવાસી લોકો ત્યાં જઈ નવી જગ્યાઓને એસ્પોર કરી રહ્યા છે. આઝાદી સમયે વીરોએ આપેલા બલિદાનને યાદ રાખવા માટે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. માનગઢ ખાતે અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. ત્યારે આદિવાસી વિસ્તારથી આવતા શિક્ષણમંત્રીએ પ્રવાસીઓને સ્થળનો ઈતિહાસ જણાવ્યો હતો. ત્યાં વાવેલા વૃક્ષો અંગેની પણ જાણકારી તેમણે આપી હતી. શિક્ષણમંત્રીએ વિવિધ સ્થળોની તેમજ વિવિધ વનસ્પતિઓની માહિતી પ્રવાસીઓને આપી હતી.
શું છે શહીદ સ્મારકનો ઈતિહાસ?
જે શહીદ સ્મારકની વાત કરવામાં આવી રહી છે તેના ઈતિહાસ અંગેની વાત કરીએ તો, માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ થયો હતો. જ્યારે બ્રિટિશ અને ભારતીય સૈનિકોએ ભીલ વિદ્રોહના અંતે ગોવિંદગીરીના ગઢ પર હુમલો કર્યો હતો. તે રાજસ્થાનના માનગઢ હિલ્સમાં એક ટેકરી પર બન્યું હતું. માર્યા ગયેલા ભીલોની સંખ્યા માટે કોઈ ચોક્કસ આંકડા નથી, પરંતુ અંદાજો "કેટલાક ભીલો મૃત્યુ પામ્યા" થી લઈને મૌખિક પરંપરા સુધી કે 1,500 આદિવાસીઓ માર્યા ગયા હતા.
ગુજરાતમાં આવેલા પર્યટક સ્થળોની લેવી જોઈએ મુલાકાત
પ્રકૃતિના ખોળે વસેલી જગ્યાઓ લોકો માટે ફરવા લાયક સ્થળ બની રહી છે. બીજા રાજ્યોની મુલાકાત લેવી જોઈએ, નવી નવી જગ્યાઓ પર ફરવું જોઈએ, પરંતુ આપણા રાજ્યમાં આવેલા પર્યટક સ્થળોની પણ મુલાકાત લેવી જોઈએ. મહત્વનું છે કે ગાઈડ ન હોવાને કારણે માહિતી વગર પર્યટકો પરત ફરી રહ્યા હતા અને તે સમયે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ગાઈડની ગરજ સારી હતી અને પ્રવાસીઓના માટે પોતે ગાઈડ બન્યા હતા.
સ્થળના વિકાસ પાછળ કરાય કરોડોનો ખર્ચ, પરંતુ નથી હોતા ગાઈડ!
સ્થળને વિકસાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થળના ઈતિહાસ વિશેની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ગાઈડની વ્યવસ્થા ન કરવામાં આવતા ત્યાં આવતા લોકો માત્ર ફરીને જતા રહે છે. સ્થળ વિશેની વધારે માહિતી, સ્થળનો ઈતિહાસ તેમની પાસે હોતો નથી. ત્યારે આવા પર્યટક સ્થળો પર ગાઈડ મૂકવામાં આવે તેવી રજૂઆત આ વડોદરાના પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે કુબેર ડિંડોરે પ્રવાસીઓને ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. પીએમ મોદીના આવ્યા બાદ કેટલો વિકાસ થયો છે તે ગણાવ્યો હતો.