20 નવેમ્બરને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. તમને થતું હશે કે બાળ દિવસ તો 14 નવેમ્બરે ગયો તો આજે કયો બાળ દિવસ છે. આજે પણ બાળ દિવસ છે પરંતુ આજે વિશ્વ બાળ દિવસ છે. ભારતમાં 14 નવેમ્બરે બાળ દિન ઉજવવામાં આવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે 20 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 1954થી આ દિવસને એટલે 20 નવેમ્બરને વિશ્વ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત 1959માં આ તારીખે જ UN General Assemblyએ બાળ અધિકારોની ઘોષણા કરી હતી. આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોનું કલ્યાણ કરવા 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવે છે.
બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. બાળકોને પણ અનેક અધિકારો આપવામાં આવ્યા છે. ત્યારે બાળકો પોતાને મળેલા હકો અંગે માહિતગાર થાય તે માટે આ દિવસને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળકોના જીવનમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમય વિકસિત થાય ઉપરાંત તેમના જીવનમાં સુધારો આવે તે માટે વૈશ્વિકસ્તરે આ દિવસને મનાવવામાં આવે છે.
ગો બ્લુ કેમ્પેઈન થીમ
બાળકોના હક માટે વિશ્વસ્તરે અનેક ઓર્ગેનાઈઝેશન કામ કરે છે જેમાં UNICEFનો સમાવેશ થાય છે. આ વર્ષે ગો બ્લુ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેઈનથી બાળકોને સુરક્ષિત અને સારો માહોલ આપવામાં આવશે તે સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કેમ્પેઈનને ધ્યાનમાં રાખી ભારતમાં પણ અનેક સ્થળો પર વાદળી લાઈટિંગ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિયા ગેટ, કુતુબ મિનાર,રાષ્ટ્રપતિ ભવન સહિતના અનેક સ્થળો પર આવી રીતે દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અલગ દેશોમાં અલગ અલગ અલગ તારીખે મનાવાય છે બાળ દિવસ
ભારત દેશમાં 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. જવાહરલાલ નહેરૂને બાળકો ચાચા નહેરુ તરીકે બોલાવતા હતા. ચાચા નહેરુને બાળકો પ્રિય હતા. જેને કારણે તેમના જન્મદિવસને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતની જેમ બીજા અનેક દેશોમાં અલગ-અલગ દિવસે બાળ દિવસ ઉજજવામાં આવે છે, ઘણા દેશોમાં 1 જૂનના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે તો ચીનમાં 4 એપ્રિલે બાળ દિવસ મનાવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં જૂનના બીજા સપ્તાહમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય જર્મનીમાં 20 સપ્ટેમ્બરે, બ્રિટનનમાં 30 ઓગસ્ટના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.