રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે, જેને લઈ પણ કોંગ્રેસ તૈયારીઓ કરી રહ્યું છે. લોકસભાની સાથે સાથે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પર પણ ધ્યાન આપી રહ્યું છે. આગામી વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખી, ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કર્ણાટકથી આ યાત્રામાં જોડાવાના છે.
ભારત જોડો યાત્રામાં સામેલ થશે સોનિયા અને પ્રિયંકા ગાંધી
30 સપ્ટેમ્બરના રોજ ભારત જોડો યાત્રા કર્ણાટક પહોંચવાની છે જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. મે 2023 કે તેની આસપાસ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ કોંગ્રેસ અત્યારથી સક્રિય થયું છે. તેને ધ્યાનમાં રાખી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી કર્ણાટક જવાના છે. 224 બેઠકો માટે કર્ણાટકમાં મતદાન થવાનું છે. હાલ કર્ણાટકમાં ભાજપની સરકાર છે. તો કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે હમણાંથી જ કોંગ્રેસ દ્વારા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
કર્ણાટકમાં શરૂ થઈ ભારત જોડો યાત્રાના સ્વાગતની તૈયારી
ભારત જોડો યાત્રાના સ્વાગત માટે કર્ણાટક કોંગ્રેસના અધિકારીઓએ બેઠક કરી હતી. જે બાદ કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે સોનિયા ગાંધી કોઈ પણ દિવસે ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે જ્યારે પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં જોડાવાના છે. બોમ્માઈ સરકાર અને આરએસએસ પર પ્રહાર કરતા વેણુગોપાલે કહ્યું કે છેલ્લા દસ વર્ષથી ભાજપ અને સંઘ પરિવારનું એક જ કામ છે - રાહુલ ગાંધીની ઈમેજ ખરાબ કરવી, પણ હવે લોકો સમજી રહ્યા છે કે રાહુલ ગાંધી કોણ છે. આ મુલાકાત ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.
રાહુલના કેન્દ્ર સરકાર પર પ્રહાર
કેન્દ્ર સરકારને અનેક મુદ્દે ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી રહ્યા છે. તેમજ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાને લઈ ભાજપની સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.