દરેક દેવી-દેવતાઓના પોત પોતાના વાહન હોય છે. ભગવાન શંકર નંદી પર સવાર હોય છે. વિષ્ણુ ભગવાન ગરૂડ પર સવાર હોય છે. ભગવાન ગણેશનું વાહન મૂષક એટલે કે ઉંદર છે. ત્યારે દેવી પાર્વતીનું વાહન સિંહ છે. ત્યારે આજે જાણીએ સિંહ દેવી પાર્વતીનું વાહન કેવી રીતે બન્યું.
આપણા શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા તેમજ તેમની પત્ની બનવા માતા પાર્વતીએ કઠોર તપ કર્યું હતું. આ તપના ફળ સ્વરૂપે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીના પતિ બન્યા. જ્યારે માતાજી તપ કરતા હતા તે દરમિયાન ભૂખ્યો થયેલો સિંહ શિકારની તપાસમાં ત્યાં આવી પહોંચ્યો. દેવી પાર્વતીને ધ્યાનમાં જોઈ સિંહ પણ ત્યાં રાહ જોવા લાગ્યો. તપમાં મગ્ન પાર્વતીજીનું તેજ એટલું બધું હતું કે સિંહ તેમની પાસે આવી શક્યો ન હતો.
માતા પાર્વતી કઠોર તપ કરી રહ્યા હતા. અનેક વર્ષો સુધી તપમાં લીન થવાને કારણે તેઓ શ્યામ વર્ણના થઈ ગયા. અનેક વર્ષો સુધી તેમનું તપ ચાલ્યું. અંતે ભગવાન શંકર તેમની ભક્તિ તેમજ તપને કારણે પ્રસન્ન થયા. ભગવાન શંકર માતાજીની સામે પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા. ઉપરાંત નદીમાં સ્નાન કરવા કહ્યું. માતાજીએ જ્યારે નદીમાં સ્નાન કર્યું ત્યારે તેમનું શ્વેત વર્ણ પાછું આવી ગયું. અને તેઓ ગોરી કહેવાય.
જ્યારે માતાજી પરત ફરી રહ્યા હતા તે સમયે દેવીની નજર શિકારની તલાશમાં આવેલા પેલા સિંહ પર પડી. માતાજીએ શિવજીને આ સિંહને આશીર્વાદ આપવા માટે કહ્યું. શિવજી પ્રગટ થયા અને માતાજીએ કહ્યું હું જ્યારથી તપ કરી રહી છું તે સમયથી આ સિંહ પર અહીં તપસ્યા કરી રહ્યો છે. આ સિંહને મારૂ વાહન બનાવા માતાજીએ ઈચ્છા પ્રગટ કરી. વરદાન મળતા સિંહ માતાજીનું વાહન બની ગયું. માતાજી સિંહ પર બીરાજમાન થયા તે માટે તેઓ શેરાવાલીના નામે ઓળખાયા.
અહીં આપેલી માહિતી વાર્તાઓ તેમજ પ્રચલિત દંતકથા પર આધારિત છે.