નવરાત્રીના પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની, બીજા નોરતે બ્રહ્મચારિણી માતાની ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાની આરાધના કરવામાં આવે છે. જ્યારે નવ દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા નવરાત્રીના ચોથા દિવસે કરવામાં આવે છે. માતા કુષ્માંડાને નવ દુર્ગાનું ચોથું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માંડની રચના કુષ્માંડા માતા દ્વારા કરાઈ હોય તેવું માનવામાં આવે છે. માતા કુષ્માંડા વાઘ પર સવારી કરે છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી સાધકની બધી મુશ્કેલીઓનો અંત આવે છે. કુષ્માંડા દેવીની આરાધના કરવાથી સાધકને રોગો, શોક અને તમામ દોષોથી મુક્તિ મળે છે.
માતાજીએ મધુર સ્મિતથી કરી હતી બ્રહ્માંડની ઉત્પત્તિ
માતા કુષ્માંડાના સ્વરૂપની વાત કરીએ તો માતા કુષ્માંડાને આઠ ભૂજાઓ છે. પોતાના હાથમાં તેઓ વિવિધ અસ્ત્ર,શસ્ત્ર ધારણ કર્યા છે. માતા કુષ્માંડાએ પોતાના હાથોમાં કમળ, ગદા, માળા,ચક્ર, કમંડળ,ધનુષ, બાણ,ચક્ર અને અમૃત કળશ ધારણ કર્યો છે. એવી માન્યતા છે કે જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હતી. મા કુષ્માંડાની ઉપાસના કરવાથી બધી મુશ્કેલીઓનો અંત આવે છે.
આ મંત્રથી કરવી જોઈએ માતા કુષ્માંડાની પૂજા
નવરાત્રી દરમિયાન કરવામાં આવતો પાઠ અનેક ઘણું ફળ આપે છે તેવી માન્યતા છે. દુર્ગાસપ્તસતીના પાઠ નવરાત્રીમાં કરવાથી માતા અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોને મનોવાંચ્છિત ફળ આપે છે. જો દુર્ગાસપ્તસતીનો પાઠ ન થાય તો દિવસ પ્રમાણે માતાજીના મંત્રનો જપ કરવાથી પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના ચોથા દિવસે આ મંત્રનો જાપ કરવો જોઈએ.
सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च। दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥
અર્થાત - જે માતાએ પોતાના હાથમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીએ છીએ. આ મંત્રનો જાપ કરવાથી માતાજી સાધકને તમામ ભયમાંથી મુક્તિ આપે છે અને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ ભક્તને થાય છે. જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો અંત માતાજીની ઉપાસના કરવાથી આવે છે.
કયું નૈવેદ્ય તેમજ ફૂલ કુષ્માંડા માતાને છે અતિ પ્રિય?
નવ દિવસ દરમિયાન કરવામાં આવેલા પાઠનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ માતાજીને ધરાવવામાં આવતા નૈવેદ્યનું પણ છે. અલગ અલગ દિવસે ચોક્કસ પ્રસાદ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે માતાજીના આશીર્વાદ મળે છે. નવરાત્રીના ચોથા નોરતે માતાજીને માલપુઆનો ભોગ અર્પણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર માતા કુષ્માંડાને પીળો રંગ અત્યંત પ્રિય છે. જેથી આ દિવસે પૂજા દરમિયાન માતાજીને પીળા વસ્ત્રો, પીળી બંગડીઓ અથવા તો પીળી મીઠાઈઓ અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. માં કુષ્માંડાને પીળા કમળ પસંદ છે. એવું માનવામાં આવે છે કે પીળા કમળ દેવીને અર્પણ કરવાથી સાધકને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.