હિંદુ ધર્મમાં શંખને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મંથન બાદ અનેક વસ્તુઓ નિકળી હતી. તેમાંથી શંખ પણ નીકળ્યો હતો. સાથે સાથે લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા. શંખને લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખને સ્થાન અપાય છે તે ઘરમાં કદી લક્ષ્મી ખૂટતી નથી. એ ઘરમાં સદા લક્ષ્મીજીનો વાસ રહે છે.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ હાથમાં શંખ ધારણ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શંખને ધારણ કર્યો હતો જેનું નામ પંચજન્ય હતું. લક્ષ્મીનો સ્વભાવ એકદમ ચંચળ હોય છે. એક જગ્યા પર લાંબા સમય સુધી તેઓ ટકતા નથી. એવું માનવામાં આવે છે જ્યાં ભગવાન નારાયણની અને શંખની પૂજા કરવામાં આવે તે ઘર પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શંખ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે.
જ્યારે પૂજા હોય ત્યારે શંખની પૂજા પણ કરવામાં આવે છે. શંખને પણ દેવતા માનવામાં આવે છે. દરેક મંદિરમાં શંખને સ્થાન આપવામાં આવે છે. ઘંટની સાથે સાથે મંદિરોમાં પણ શંખને રખાય છે. આરતી પૂર્વે પણ શંખનાદ કરવામાં આવે છે. આરતી પૂર્ણ થયા બાદ શંખને આરતીની પ્રદક્ષિણા કરાવી ભક્તો પર છાંટવામાં આવે છે.
અનેક દેવતાઓ પર અભિષેક પણ શંખ દ્વારા કરવામાં આવે છે. શંખમાં રાખેલા જળને એકદમ પવિત્ર માનવામાં આવે છે. શંખમાં રહેલા રાસાયણિક તત્વોને કારણે અનેક બિમારીઓ પણ દૂર થાય છે. શંખ વગાડવાથી અસ્થમાનો રોગ દૂર થાય છે. ઉપરાંત જે ઘરમાં રોજે શંખનાદ કરવામાં આવે છે તે ઘરમાં આસુરી શક્તિ તેમજ નકારાત્મકા આવતી નથી.