કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તે આપણે જાણીએ છીએ. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે પણ સમાચાર આવ્યા કે 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અંકલેશ્વરથી આ બનાવ સામે આવ્યો છે. તે ઉપરાંત અનેક લોકોએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું કે કોરોના વેક્સિનની સાઈડઈફેક્ટને કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આ બધા વચ્ચે આઈસીએમઆર દ્વારા આ મામલે રિસર્ચ કરવામાં આવ્યું જેમાં સામે આવ્યું કે કોવિડ-19 રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ ઊભું થયું નથી.
કોરોના બાદ યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા
એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક તો મોટી ઉંમરવાળા લોકોને અથવા તો જેને વધારે બિમારીઓ હોય તેવા લોકોને આવે છે. એવા લોકો જ હાર્ટ એટેકનો શિકાર બને છે. પરંતુ પરિસ્થિતિ બદલાઈ. લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ, ખોરાકમાં બદલાવ આવ્યો, કસરત ઓછી થઈ વગેરે વગેરે... તે ઉપરાંત ફેમિલી બેકગ્રાઉન્ડ પણ વધતા હાર્ટ એટેકની પાછળ કારણ હોઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. મહત્વનું છે કે ખોરાકની તેમજ લાઈફસ્ટાઈલની અસર આપણા શરીર પર થતી હોય છે. બહારનું જમવાનું પણ લોકો વધારે ખાઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.
શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક
યુવાનોમાં હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં કેટલો વધારો થયો છે તે આપણે જાણીએ છીએ. સાજો લાગતો વ્યક્તિ ગમે ત્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી થતી. ગુજરાત સહિત દેશભરમાં એવા અનેક કિસ્સાઓ નોંધાયા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા બાળકોના જીવન પૂર્ણ થઈ જાય છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે લોકો કહેતા હતા કે પરંતુ હવે તે વાત સાચી નથી...
કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ જ સંબંધ નથી
કોરોના વેક્સિનની આડઅસરને કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર નથી બની રહ્યા તેવો નિષ્કર્ષ આઈસીએમઆરના રિપોર્ટમાં આવ્યો છે. કોરોનાની રસી અને અચાનક હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી. ઈન્ડિયન કોઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા થયેલા તબીબી અભ્યાસમાં એવો નિર્દેશ છે કે આ બધાં યુવાનો કોવિડ-19 મહામારીના ચેપથી બચવા માટે આપવામાં આવેલી રસીની વિપરીત અસરથી હાર્ટ એટેક નથી આવી રહ્યો. હાર્ટ એટેકની ઘટનાઓ માટે કોવિડ-19ની રસી કારણભૂત નથી. મહત્વનું છે કે આઈ.સી.એમ.આરનો રિપોર્ટ જોકે હજી પ્રસિદ્ધ નથી થયો. એક ઉચ્ચ અધિકારીએ આ અંગેની માહિતી આપી છે.