હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ હોય છે. વસંત પંચમીને આપણે ત્યાં ખુબ મહત્વની તિથી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. જેને કારણે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતી હોવાનું પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મૂહુર્ત જોયા વગર લગ્ન કરી શકાય છે.
વસંત પંચમીએ સરસ્વતી જયંતી હોવાથી આ દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને જ્ઞાન અને કળાના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સુખ અને સમુદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે મહા મહિનાની સુદ પાંચમે ભગવાન શ્રીકૃષ્ણએ માતા સરસ્વતી પૂજન કર્યું હતું. ત્યારથી આ દિવસના રોજ સરસ્વતી પૂજનનું પ્રચલન શરૂ થયું.
વસંતપંચમીને વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવો હોય તો વસંતપંચમીના દિવસથી કરી શકાય. વિદ્યા જેવી કે સંગીત શીખવું, ચિત્રકામ, અથવા તો કોઈ ખાસ કોર્સ પણ શરૂ કરી શકાય છે. એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્યાજીએ સૃષ્ટિની રચના કરી હતી. જે બાદ આદ્યશક્તિએ પોતાને પાંચ રૂપમાં વિભાજીત કર્યા. દુર્ગા, સાવિત્રી, સરસ્વતી, પદ્મા અને રાધાના સ્વરૂપમાં આદ્યશક્તિએ પોતાની શક્તિ વિભાજીત કરી. સરસ્વતીજીને વિદ્યાની દેવી માનવામાં આવે છે. તેમને અલગ અલગ નામોથી પણ જેવા કે વાક, વાણી, વાક્દેવી જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરીના રોજ આવી રહી છે.