પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. શનિવારે અમાસ આવતી હોવાને કારણે આને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સહિત તમામ નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે મૌની અમાસનું સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.
હિંદુ ધર્મમાં આમ તો દરેક અમાસને મહત્વ આપવામાં આવ્યું છે. મૌની અમાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે તીર્થ દર્શન અને શનિદેવની પૂજા કરવી જોઈએ. આ સમય દરમિયાન પ્રયાગરાજમાં મેળો ભરાય છે. અમાસના દિવસે પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.
આ દિવસે સરસિયાના તેલથી અભિષેક કરવો જોઈએ. શનિદેવને વાદળી વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. આ દિવસે ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ. શનિદેવના મંદિરમાં દર્શન અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો જોઈએ અને એ દિવસે સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
આ દિવસે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો શુભ મનાય છે. આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર, આંકડાના ફુલ, ધતૂરા વગેરે અર્પિત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. તે સિવાય ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.