ભગવાન ગણપતિજીને પ્રથમ પૂજ્ય ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક મહિનાની બંને પક્ષોની ચતુર્થી તિથી ભગવાન ગણપતિને સમર્પિત હોય છે. ત્યારે મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસને ગણેશ જયંતિ મનાવામાં આવે છે. આ દિવસે ચતુર્થી બુધવારે હોવાને કારણે આનું મહત્વ વિશેષ થઈ જતા હોય છે. ચતુર્થી 25 જાન્યુઆરીના રોજ આવી રહી છે.
આ દિવસે બની રહ્યા છે શુભ યોગ
બુધવારનો દિવસ ગણપતિજીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણપતિ પ્રગટ થયા હતા. આજ કારણોસર આ દિવસને ગણેશ જયંતી કહેવામાં આવે છે. અલગ અલગ નામથી આ ચોથને સંબોધવમાં આવે છે. ગણેશ જયંતીના દિવસે રવિ, શિવ યોગ બની રહ્યા છે.
આ દિવસે નથી કરવામાં આવતા ચંદ્ર દર્શન
સામાન્ય રીતે ચોથના દિવસે ચંદ્ર દર્શનનો વિશેષ મહિમા હોય છે. પરંતુ ગણેશ જયંતીના દિવસે ચંદ્ર દર્શન નથી કરવામાં આવતા. પૌરાણીક કથાઓ અનુસાર આ દિવસે ગણપતિજીએ ચંદ્ર દેવને શ્રાપ આપ્યો હતો. જેને લઈ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે ગણપતિજીની વિશેષ પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ગણેશજીને લાલ પુષ્પ, ચંદન અને લાલ રંગની મિઠાઈ અર્પણ કરવાથી ભગવાન ગણપતિના આશીર્વાદ મળે છે.