ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફરી એક વખત તાપમાનનો પારો ગગડ્યો છે અને શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડો પવન વહી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી અને સારો પવન પણ રહ્યો હતો ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરનું તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું છે જ્યારે અમદાવાદનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યું છે. નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે.
આવનાર દિવસોમાં તાપમાન યથાવત રહેશે!
શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી હતી. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો પણ હતો જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. આવનાર દિવસોમાં વાતાવરણ સુકૂ રહેશે અને બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં ફરક આવશે તેવી આગાહી કરવામાં આવી છે.
રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
ઉત્તરાયણના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. ડીસાનું તાપમાન 09.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું હતું. 19.0 ડિગ્રી તાપમાન સુરતનું નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 13.6 ડિગ્રી પહોંચ્યું હતું. દ્વારકાનું તાપમાન 17.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 20.6, નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઠંડીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી આ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. ઠંડીને લઈ આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 15 જાન્યુઆરી બાદ ઠંડી વધારે પડી શકે છે. ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત કરવામાં આવી છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. મહેસાણા. સુરત આસપાસના ભાગોમાં તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો ફરક આવી શકે છે તેવું અનુમાન લગાવવમાં આવ્યું છે.