દિલ્હીમાં વાતાવરણ પ્રદૂષણ યુક્ત થઈ રહ્યું છે અને ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી એર ક્વોલિટી ઇન્ડેક્સનો રિપોર્ટ ખરાબ મળી રહ્યો છે. જોકે, આજે 6 નવેમ્બરના રોજ તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પવનની દિશા બદલાવાને કારણે દિલ્હી-એનસીઆરમાં રવિવારે સવારે પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો નોંધાયો છે. આગામી થોડા દિવસોમાં AQIમાં સુધારો થવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે.
કયા છે વરસાદની શક્યતા ?
હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં 6-7 નવેમ્બરે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે હવામાં સુધારો જોવા મળી શકે છે. દિલ્હીના પ્રદૂષણનો મુખ્ય કારણ પરાળી સળગાવવા છે અને પંજાબ હાલમાં સૌથી વધુ પરાળી બાળી રહ્યું છે. વરસાદને કારણે પરાળીના ધુમાડાથી થોડી રાહત મળી શકે છે. આ વખતે પંજાબમાં સૌથી વધુ પરાળી સળગાવવાની ઘટનાઓ સામે આવી છે. જે અન્ય રાજ્યોની સરખામણીમાં પણ સૌથી વધુ છે.
હવામાનની શું છે આગાહી ?
હવામાન વિભાગએ આગાહી કરી છે કે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 06, 07, 09 અને 10 તારીખે હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફ પડી શકે છે. બીજી તરફ ઉત્તરાખંડમાં 06 અને 07 તારીખે હળવો વરસાદ અથવા હિમવર્ષા અને 06 અને 07 નવેમ્બરે પંજાબમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. દિલ્હીના તાપમાનની વાત કરીએ તો અહીં આગામી બે દિવસ સુધી ધુમ્મસ રહેવાની સંભાવના છે. આગામી બે દિવસ માટે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. દિવસ દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.