રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં એટલો ભારે વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે પરંતુ અતિભારે વરસાદને કારણે પાકને નુકસાન પણ પહોંચી શકે છે. ખેડૂતોમાં વરસાદ આવવાની ખુશી છે તો અગોતરા વરસાદને કારણે તેમના પાકને નુકસાન પણ પહોંચ્યું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી તે અરબસાગરમાં આવશે અને તે ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમમાં પણ પરિવર્તિતિ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ભયંકર વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે.
મનોરમા મોહંતીએ આપી આ જાણકારી
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં આવી છે. રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. પાંચમા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છઠ્ઠા-સાતમા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો.