દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતા સમગ્ર દેશમાં મોકડ્રિલ યોજાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કોરોનાના નવા 5676 કેસ નોંધાયા છે. સોમવારે કોરોના સંક્રમિતોનો આંકડો 5880 નોંધાયો હતો. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે બીજો દિવસ છે.
સોમવાર કરતા મંગળવારે નોંધાયા ઓછા કેસ!
કોરોના સંક્રમણ દેશમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજાર જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 5676 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જેને કારણે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એક્ટિવ કેસની સંખ્યા 37 હજારને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે સોમવાર કરતા મંગળવારે ઓછા કેસ નોંધાયા છે.
હોસ્પિટલોમાં કરાયું હતું મોક ડ્રિલનું આયોજન
વધતા કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે બીજો દિવસ છે. ગઈ કાલે દેશની હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ મોક ડ્રિલ દરમિયાન હાજર રહ્યા હતા. તે ઉપરાંત ગુજરાતમાં પણ મોક ડ્રિલનું આયોજન થયું હતું, ગુજરાતના આરોગ્ય મંત્રીએ ભીડમાં જાવ ત્યારે માસ્ક પહેરવા લોકોને અપીલ કરી હતી.