ઓગસ્ટની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો હતો. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ એટલો સારો વરસાદ વરસ્યો કે અનેક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો. આ વર્ષે પણ વરસાદે રેકોર્ડ તોડ્યો છે પરંતુ ન વરસવાનો. ઓગસ્ટ મહિનામાં એટલો ઓછો વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય કરતા પણ ઘણો ઓછો વરસાદ આ ઓગસ્ટમાં વરસ્યો છે. જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે સપ્ટેમ્બરમાં કેવો વરસાદ રહેશે તેની માહિતી હવામાન નિષ્ણાતોએ આપી છે.
ઓગસ્ટ મહિનામાં વરસાદે લીધો હતો વિરામ
ગુજરાતમાં થોડા સમયમાં એટલો બધો વરસાદ વરસી ગયો હતો કે માત્ર અમુક દિવસોની અંદર જ અનેક ટકા વરસાદ નોંધાઈ ગયો હતો. જળાશાયોમાં નવા નીરની આવક થઈ ગઈ હતી. પરંતુ જ્યારથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ છે ત્યારથી વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો નથી. ગુજરાતના થોડા જ વિસ્તારો એવા હતા જ્યાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં હવામાન કેવું રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીએ કરી છે.
8-9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની વ્યક્ત કરાઈ સંભાવના
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 3 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 1થી 5 તારીખ દરમિયાન ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ હતી પરંતુ હજી થોડા દિવસો રાહ જોવી પડશે. 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
તે સિવાય અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી મુજબ ખેતીને લાયક વરસાદ થશે તેવી કોઈ સંભાવના નથી. સપ્ટેમ્બર મહિનામાં વાતાવરણમાં ફેરફાર નોંધાઈ શકે છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સિસ્ટમ બનવાની છે જેને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદનું આગમન થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. આ બાદ 13 અને 14 સપ્ટેમ્બરે અરબ સાગરમાં હવાનું દબાણ ઊભું થવાની શક્યતા છે. જોકે આ બાદ સપ્ટેમ્બર મહિનામાં ગરમીનો પારો વધી શકે છે.
વરસાદે ખેડૂતોના હાલ કર્યા બેહાલ
મહત્વનું છે કે વરસાદ ન વરસવાને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. આ વર્ષે સારો વરસાદ વરસશે તેવી આશા ખેડૂતોને હતી પરંતુ વરસાદ ખેડૂતો સાથે આંખમિચોલી રમી રહ્યું છે. જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવવાનો છે.