કૃષિપ્રધાન દેશ છે આપણો.. પશુપાલકોને કારણે આપણું અર્થતંત્ર ચાલે છે. અનેક ડેરીઓને કારણે પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં અનેક ડેરી આવેલી છે જે ગુજરાતના પશુપાલકોને રોજગારી આપે છે, તેમને આત્મનિર્ભર બનાવે છે. ગુજરાતની પ્રખ્યાત ડેરી છે બનાસ ડેરી... બનાસડેરીની આદ્યસ્થાપક છે ગલબાભાઈ પટેલ. ત્યારે તેમના પરિવારના સદસ્યને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રેખાબેન ચૌધરી બનાસડેરીના આધ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડો. રેખા ચૌધરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે.
15 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. 195 ઉમેદવારોના નામની જાહેર ભાજપે આજે કરી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે 5 બેઠકો પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. બનાસકાંઠાથી ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે રેખા ચૌધરી
રેખાબેનની વાત કરીએ તો તેઓ બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ.ગલબાભાઈ પટેલની પૌત્રી છે. બનાસડેરીને કારણે અનેક પશુપાલકો સ્વનિર્ભર બન્યા. ડો. રેખાબેન હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાદ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ન માત્ર રેખાબેન ચૌધરી પરંતુ તેમનો સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે. ડો.રેખાબેન ચૌધરી અને તેમના પતિ ડો. હિતેશ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે. હિતેશ ચૌધરી મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.