વિધાન સભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં પણ બગાવતાના સૂર સંભળાઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે શિસ્તભંગ સામે કાર્યવાહી કરતા અમદાવાદ જિલ્લાના અગ્રણી નેતા કિશન સિંહ સોલંકીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કાર્યવાહી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પક્ષ વિરોધી પ્રવૃતિ કાર્યવાહી બદલ કિશન સિંહ સોલંકી સામે આકરૂ વલણ અપનાવ્યું છે. ભાજપ દ્વારા આ અગાઉ તેમને શિસ્તભંગની પ્રવૃતિ અંગે ચેતવણી આપવામાં આવી હતી.
કિશનસિંહને Kensville માં થયેલી ચિંતન બેઠક દરમિયાન થયેલા ઝઘડા પછી તમામ કામગીરીથી દૂર કરી દેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં AAPના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો તેમનો ફોટો ખુબ વાયરલ થયો હતો.
ભાજપના પ્રવક્તાએ કાર્યવાહીને યોગ્ય ગણાવી
કિશન સિંહ સોલંકીની ભાજપામાંથી હકાલપટ્ટી અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે પક્ષના કોઈ પણ નેતા શિસ્તની બહાર જાય છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. આ કાર્યવાહી પણ તેના આધારે જ કરાઈ છે.