રબારી સમાજનું આસ્થાનું સ્થાન એટલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું કાસવા ગામ. હાલ કાસવા ગામમાં ઐતિહાસિક શ્રી ગોગા મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાસવામાં તા. 31 માર્ચથી 6 એપ્રિલ એમ 6 દિવસ માટે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે 6 તારીખ સુધી દરરોજ રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના જાણીતા લોક કલાકારો તેમજ સંગીતકારો દ્વારા ભજન, કિર્તન અને સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી રહી છે.
બુધવારની રાત્રે ડાયરાની રમઝટ
કાસવા ગામમાં બુધવાર રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં લોકપ્રિય લોક કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ગીતા રબારી, દેવાયત ખાવડ તથા અન્ય કલાકારોએ લોક ગીતો, ભજન અને સંતવાણીની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં લોકોએ ભારતીય ચલણી નોટો, ડોલર સહિત ચાંદીની નોટોના બંડલ પણ ઉડાડ્યા હતા. મોજમાં આવી ગયેલા લોકો દ્વારા સાધુ સંતો તેમજ કીર્તિદાન ગઢવી ઉપર 2000ની ચાંદીની નોટો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.
ગોગા મહારાજનું ભવ્ય મંદિર
ગુજરાત તેમજ કડી તાલુકામાં પ્રખ્યાત કાશીધામ કાસવા તરીકે ઓળખાતા આ ગામમાં વર્ષો જૂનું ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. જેનો કરોડો રૂપિયા ખર્ચ કરીને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને છઠ્ઠા દિવસે કાશીધામ કાસવા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત તેમજ દેશ-વિદેશના ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.