રાજ્યના જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે, ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કીર્તિદાન ગઢવીને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પણ હાજર રહ્યા હતાં.
CM સાથે અમરીશ ડેર દેખાતા અનેક તર્કવિતર્ક
આ લોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મંત્રી જીતુ વાઘાણી, જીગ્નેશ કવિરાજ, માયાભાઇ આહીર, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ સહિતના અનેક કલાકારોએ હાજરી આપી હતી. જો કે સૌથી વધુ કુતુહલ તો કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની ઉપસ્થિતીથી સર્જાયું હતું. અમરીશ ડેર આ કાર્યક્રમમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. આગામી સમયમાં તે પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઇ છે. આમ પણ કોંગ્રેસમાંથી એક પછી એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેથી અમરીશ ડેર દ્વારા પક્ષ પલટાની સંભાવના પ્રબળ બની છે.
જમાવટની સાથે ચર્ચા કર્યા બાદ અમરીશ ડેરનું નિવેદન
અમરીશ ડેરે નિવેદન આપ્યું હતું કે, ભાવનગર નાગરીક સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ આયોજીત આ કાર્યક્રમ હતો. ખાલી ભાજપના નેતા નહોતા, કિર્તિદાનભાઈ અને હું નજીકના મિત્રો છીએ અને એમનું સન્માન થતું હોય તો મારે હાજર રહેવું જ જોઈએ. કાર્ડની અંદર આમંત્રીતોમાં અર્જુન મોઢવાડિયા, ભાવનગરના કે.કે.ગોહીલ સહીતના લોકોના નામ હતા. તો આમાં ભાજપ-કૉંગ્રેસનો સવાલ જ નથી.
જો કે ચૂંટણી પહેલા કોઈપણ વિપક્ષી નેતા શાસકપક્ષના નેતાઓ સાથે દેખાય એટલે તરત જ ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે.