કિરણ પટેલ મુદ્દે MLA શૈલેષ પરમારે સરકારનો ઉધડો લીધો, વિધાનસભામાં કર્યા આ સણસણતા સવાલ


  • Published By :
  • Published Date : 2023-03-21 13:52:04

મહાઠગ કિરણ પટેલ સમગ્ર ગુજરાત અને દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારની આંખમાં ધુળ નાંખીને કાશ્મીરમાં Z+ સુરક્ષાની મજા માણી ચુકેલો આ શખ્સ પકડાઈ તો ગયો છે પણ હજુ તેના નામનો વિવાદ શમવાનું નામ નથી લેતો. ગુજરાત વિધાનસભામાં પણ કિરણ પટેલનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે આ મામલે સરકારનો ઉધડો લીધો હતો.


કિરણ પટેલ PMOનો અધિકારી કેવી રીતે બન્યો?


વિધાનસભાના શિયાળું સત્રમાં આજે કિરણ પટેલના મુદ્દે શૈલેશ પરમારે વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેશ પરમારે આ મુદ્દો ઉઠાવ્યો  હતો. તેમણે કહ્યું, કે ગુજરાતનો કિરણ પટેલ PMOનો અધિકારી બની જાય અને કોઈને ખબર ન પણ પડે, કાશ્મીરમાં ફરતો રહે અને કોઈને ગુજરાતમાં ખબર ન પડે? એક સમયે સ્થિતી એવી સર્જાઈ કે ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડને સરકારનો બચાવ કરવા માટે ઉતરવું પડ્યું હતું.


કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી  


રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે અમદાવાદની ગોમતીપુર વિધાનસભા સીટના ધારાસભ્ય શૈલેશ પરમારે પરમારે સરકારને વેધક સવાલો કર્યા હતા.  તેમણે કહ્યું કે, રાજ્યમાં કરાઈ એકેડેમીમાં બોગસ પીએસઆઇ પકડાવો, IAS-IPSની જાસૂસી થવી, પેપરલીક જેવી ઘટના બનવી, સરકારનું પોતાનું જ પ્લેન 2 વર્ષ સુધી કોઈ ઉડાડે અને IBને ખબર ન હોય?, તેમણે સરકારને ટોણો માર્યો કે ગૃહ વિભાગ પણ સરકારની જેમ ડબલ એન્જિનથી ચાલે છે. ગૃહ વિભાગનું એક એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર?


પોલીસતંત્ર બે વિભાગમાં વહેંચાયું


શૈલેશ પરમારે સરકાર પર આરોપ લગાવ્યો કે વહીવટદાર - બાતમીદાર વચ્ચે પોલીસતંત્ર બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. પોલીસ તંત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું હોવાનો દાવો કરતાં શૈલેષ પરમારે જણાવ્યું કે, પોલીસ અને સ્કવોર્ડ આમને-સામને આવી ગઈ છે. વહીવટદારો હપ્તા ઉઘરાવાનું કામ કરે છે અને તે જ વહીવટદારોને લીધે સ્કવોર્ડ રેડ પાડી શકતી નથી. શૈલેષ પરમારે રાજ્યના પોલીસ સ્ટેશનમાં ચાલતા વહીવતદારોના રાજ પર સવાલ ઉઠવ્યા હતા. વહીવટદારોને લીધે દારૂનું વેચાણ વધી રહ્યું છે. વહીવટદારોને લીધે બુટલેગરો સામે કાર્યવાહી થતી નથી.


ખુલ્લેઆમ દારૂનું વેચાણ


શૈલેશ પરમારે દારૂના વેચાણ અંગે કહ્યું કે મારા મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે નેશનલ ફેમિલી હેલ્થના રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજ્યમાં મહિલાઓમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2014 થી 2022 સુધી 14322 બળાત્કારના ગુના નોંધાયા છે. જેમાં માત્ર 231 ગુનાઓ સાબિત થયા છે. રાજ્યના પોલીસ વિભાગમાં 14 હજાર જગ્યાઓ ખાલી છે જે ભરવામાં આવતી નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?