નકલી પીએમો અધિકારી બની બેઠેલા મહાઠગ કિરણ પટેલની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે કિરણ પટેલની ધરપકડ કરી હતી. તે ઉપરાંત કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા માલિની પટેલની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી હતી. ત્યારે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર કિરણ પટેલના બેંક એકાઉન્ટની ડિટેલ, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિત અનેક ચીજ વસ્તુઓ કબજે કરી લેવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી માલિની પટેલની ધરપકડ
જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ ખાતે લાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ હતી અને બાય રોડ કિરણ પટેલને અમદાવાદ લાવાયો હતો. કિરણ પટેલ અને તેની પત્ની પર અનેક આરોપો લાગ્યા છે. માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલા બંગલોને પચાવી પાડવાની ફરિયાદ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાઈ છે. કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ ખાતે લવાયેલા કિરણ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
બેંક એકાઉન્ટમાંથી મળી ચોંકાવનારી વિગતો!
ત્યારે મળતી માહિતી અનુસાર કિરણ પટેલના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. મહાઠગના ઘરેથી અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંક એકાઉન્ટની ડિટેલ, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંકની વિગતો મળી આવતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જ્યારે બેંક એકાઉન્ટ અંગે તપાસ કરાતા સામે આવ્યું કે થોડા વર્ષો પહેલા કિરણ પટેલના ખાતામાં એટલા પૈસા પણ ન હતા કે તે બંગલો ખરીદી શકે. આઈટી રિટર્ન પણ ભરતા ન હતા.