ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વિશે એવી ઘણી બાબતો છે જે કોઈ જાણતું નથી. ખાસ કરીને તેમના અંગત જીવન વિશે ઘણી ઓછી બાબતો દુનિયા સમક્ષ જાહેર કરવામાં આવી છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે કિમ જોંગ ઉને પોતાની પુત્રી સાથે દુનિયાનો પરિચય કરાવ્યો છે.
ઉત્તર કોરિયાએ શુક્રવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. રોયટર્સના રિપોર્ટ અનુસાર આ મિસાઈલ પરીક્ષણની સૌથી ખાસ વાત એ હતી કે કિમ જોંગની પુત્રી પણ તેની સાથે હાજર હતી. તે તેના પિતાનો હાથ પકડેલી જોવા મળી રહી છે. તે સફેદ જેકેટમાં જોવા મળી રહી છે.
પુત્રીનું નામ જાહેર કરાયું નથી
કિમ જોંગ પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો છુપાવે છે. ભલે તેમની દીકરીની તસવીરો દુનિયાની સામે આવી ગઈ હોય, પરંતુ તેનું નામ હજુ સુધી કોઈ જાણતું નથી. અમેરિકા સ્થિત સ્ટિમસન સેન્ટરના ઉત્તર કોરિયાના નેતૃત્વ નિષ્ણાતે કહ્યું છે કે કિમ જોંગની પુત્રી જાહેર કાર્યક્રમમાં પહેલીવાર જોવા મળી છે.
કિમ જોંગને ત્રણ બાળકો છે
નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયાના કિમ જોંગને ત્રણ બાળકો છે. તેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. અગાઉ 2013 માં, નિવૃત્ત સ્ટાર ડોનિસ રોડમેને કહ્યું હતું કે કિમ-જોંગ-ઉનને જૂ એ નામની પુત્રી છે.