રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે, તમામ મોટા શહેરોમાં લૂંટ, અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટનાઓ વધી રહી છે. કચ્છના અંજાર શહેરમાં લાકડાના એક મોટા વેપારીના પુત્રનું આજથી 5 દિવસ અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ પુત્રને છોડાવવા માટે વેપારી પાસેથી 1.25 કરોડ જેટલી મોટી રકમની માગણી કરવામાં આવી હતી. જો કે આજે આ યુવાનની લાશ આદિપુર નજીક એક નિર્જન સ્થળેથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે.
યુવાનના વીડિયોના આધારે પોલીસે કરી તપાસ
અપહરણ કરાયેલા 19 વર્ષીય યશ તોમરે ચાર સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે ‘ફસ ગયા’ લખ્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે પોલીસે જે જગ્યાએ વીડિયો શૂટ કર્યો હતો તે જગ્યાથી તેનું બૂટ મળી આવ્યું છે. પોલીસે સતત બીજા દિવસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિરથી લઈ SP ઑફિસ પાછળ આવેલી ઝાડીમાં સર્ચ ઓપરેશન ચાલું રાખ્યું હતું. મોડી સાંજે ઝાડીમાંથી યશનું બૂટ મળી આવ્યું હતું. જ્યાંથી બૂટ મળ્યું તેની નજીક ખાડો ખોદીને કંઈક દાટી દેવાયું હોવાનું ધ્યાને આવતાં ખુદ એસપી સાગર બાગમાર ઘટના સ્થળે દોડી ગયાં હતા. પોલીસને ઘટના સ્થળેથી યુવાનની દાટેલી લાશ પણ મળી આવતા ભારે ચર્ચા જાગી છે. યશ તોમરના મૃતદેહના ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા માટેની પ્રકિયા હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસે મૃતદેહ બહાર કાઢી મૃતદેહને એફએસએલ માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ સુધી પહોંચવા અલગ અલગ ટીમો બનાવી હતી. તેમજ અંજાર, આદિપુર, ગાંધીધામ એ-બી ડિવિઝન, એલસીબી, એસ.ઓ.જી.ની ટીમોએ આ વિસ્તારને ખુંદી નાખ્યો હતો. બાદમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
કઈ રીતે થયું અપહરણ?
અંજારના મેઘપર બોરીચીની મંગલમ્ રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષિય યુવક યશ તોમરનું સવારે કોલેજ જવા દરમિયાન રસ્તામાંથી અપહરણ થયું હતું. અપહરણ કરનારી ગેંગે અજાણ્યા નંબર પરથી તેને છોડાવવા માટે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા યશની માતાને ફોન કર્યો હતો. અપહરણ અને ખંડણીની ઘટનાના પગલે યશના માતાએ મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. યશના અપહરણ સમયે યશના પિતા સંજીવકુમાર તોમર ધંધાના કામથી દિલ્હીમાં હતા. યશના પિતા સંજીવ કુમાર અંજારમાં ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવની જાણ થતાં તેઓ દિલ્હીથી પરત આવી ગયાં હતા.