ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો જે તે જાતિ,જ્ઞાતિ કે સમાજના આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સમાજના આગેવાનો કોઈ પણ પાર્ટીમાં જાય તો તેની સાથે તેમના સમાજના લોકો પણ તેમનું આંધળું અનુસરણ કરતા હોય છે. આ બાબતથી સારી રીતે વાકેફ રાજકીય પાર્ટીઓના નેતાઓ હાલ વિવિધ સામાજીક આગેવાનો સાથે બંધબારણે બેઠકો કરી રહ્યા છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે જગદીશ ઠાકોરની બેઠક
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધ બારણે બેઠક કરતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ બન્ને આગેવાનો વચ્ચે બેઠક થતા રાજકારણ ગરમાયું છે. જો કે નરેશભાઈ પટેલની પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું કે, જગદીશ ઠાકોર સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે આગેવાનો સાથે મારી ઓફિસમાં બેઠક ચાલતી હતી, તેમાં ફક્ત સામાજિક અને જૂની વાતો મિત્રતાની હોય તે જ થઈ છે. કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. જ્યારે રાજકીય ચર્ચાનો સમય આવશે ત્યારે હું આપને કહીશ. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તમામ સમાજના લોકોને વસ્તી ગણતરી મુજબ ટિકિટ મેળવવાનો હક છે. આ દરમિયાન ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે. લલિત વસોયા ભાજપમાં જાય તેવી ચર્ચાએ જોર પકડતા ખોડલધામ મંદિરમાં વસોયાએ તેમનું વલણ સ્પષ્ટ કર્યું હતું.