આપણા ઘરમાં કોઈ વડીલનું અવસાન થાય ત્યારે પરિવારજનો વિલાપ કરે તે સ્વાભાવિક છે. જો કે કેટલાક લોકો એવા પણ હોય છે જે તેમની તેમની અંતિમ વિદાયને શોકનો નહીં પણ ઉત્સવનો પ્રસંગ બનાવવા માંગતા હોય છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ મનજીભાઈ મુંગરા પણ આવા જ નોખી માટીના માણસ હતા. ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાનું 104 વર્ષની ઉંમરે નિધન થતા પરિવારજનોએ તેમની અંતિમ યાત્રા વાજતે-ગાજતે કાઢી હતી.
104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ
ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાએ 104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ લીધો હતો. તેમને 104 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેમણે હોસ્પિટલ કે દવાનો આસરો લીધો ન હોવાથી પરિવારજનોએ વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો.પરિવારજનોના આ નિર્ણયને લોકોએ પણ વધાવી લઈ ખીમજીભાઈને ધામ-ધૂમથી અંતિમ વિદાય આપી હતી. ખીમજીભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંતિમ યાત્રામાં કીર્તન ભજનની રમઝટ
ખીમજીભાઈની અંતિમ યાત્રામાં બેન્ડવાજા અને કીર્તન ભજનની રમઝટ જોવા મળી હતી. આ ઉપરાંત અબીલ-ગુલાલની છોળો સાથે અંતિમ યાત્રા સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં કોઈ પણ જાતના શોક વગર ખીમજીભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાજ સેવાની ઉજળી છાપ ધરાવતા ખીમજીભાઈની અંતિમ યાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા.