ગઈકાલથી ખેડાના નડિયાદમાં બનેલી ઘટના વિશે વાત કરવામાં આવી રહી છે. મહુધા તાલુકાના બગડું ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવતા પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ કેસમા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. ન માત્ર ખેડામાં પરંતુ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર સીરપના જથ્થા અંગે તપાસ કરવામાં આવી રહી છે. મહેસાણા પોલીસ જિલ્લાના તમામ પાર્લરોમાં તપાસ કરી રહી છે. આ દરમિયાન અનેક જગ્યાઓ પરથી સીરપનો જથ્થો ઝડપાયો હતો.
અલગ અલગ સ્થળો પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ
રાજ્યના અનેક સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા બાદ તપાસમાં અનેક શહેરોમાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો મળી આવ્યો. મળતી માહિતી અનુસાર મહેસાણામાં એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે મહેસાણાના ગુજરાત ડેરી નામના પાર્લરમાંથી 2313 બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. તે ઉપરાંત બોટાદમાંથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો જપ્ત કરાયો છે.
એસઆઈટીની રચના કરવામાં આવી!
બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.