ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 182માંથી ભાજપને 156 સીટો મળી હતી. ત્યારે 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બંનેના રાજીનામાનો સી.આર.પાટીલે સ્વીકાર કર્યો છે જેને કારણે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે.
ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન
ગુજરાતમાં જીત હાંસલ થયા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સંગઠનમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે ત્યારે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પોતાનું રાજીનામું સી.આર.પાટીલને સોંપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરવામાં આવતા ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે.
કયાં કારણોસર આપ્યું રાજીનામું તે હજી અસ્પષ્ટ
અમૂલ ડેરીના ચેરમેન બન્યા બાદ વિપુલ પટેલે ઈશારો આપ્યો હતો કે પક્ષ કહેશેએ પદ હું નિભાવીશ અને જે પદ છોડવાનું કહેશે તે છોડી દઈશ. આ બધી જવાબદારીને લઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હોય તેવી ચર્ચાઓએ વેગ પડક્યો છે. તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી ટાણે કરવામાં આવેલા ખર્ચ બાબતના આક્ષેપોને કારણે તેમણે રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે.