રાજ્યમાં ખરાબ રસ્તાના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી
રાજ્યના અનેક રસ્તાઓની હાલત ખૂબ દયનિય થઈ ગઈ છે. વાત છે અમદાવાદના ખરાબ રસ્તાઓની કે જેના કારણે ઓર્થોપેડિકના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક કેસની સંખ્યા વધી છે. જૂન મહિનામાં 3025 ઓર્થોપેડિક કેસ નોંધાયા હતા જ્યારે ઓગસ્ટ મહિનામાં કેસોમાં 19 ટકા જેટલો વધારો થયો. મોટાભાગના કમર-પીઠના દુખાવાના, ગાદી ખસી જવાના કેસો નોંધાઈ રહ્યા છે.
અમદાવાદ:સરખેજમાં રોડ વચ્ચે પડેલા 15 ફૂટ મોટા ખાડામાં પડી હતી રીક્ષા
શહેરમાં સામાન્ય વરસાદ થતાં જ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. રસ્તાની સાથે સાથે ભૂવાઓ પણ પડી રહ્યા છે. દરેક રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. પૂર્વ હોય કે અમદાવાદનો પોશ વિસ્તાર હોય દરેક રસ્તા પર ખાડા જ ખાડા દેખાય છે. તે ઉપરાંત મેટ્રો ટ્રેનના કામકાજને કારણે પણ રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. અનેક રસ્તાઓ પર દ્રશ્ય એવું સર્જાય છે કે રસ્તો ઓછા દેખાય છે તેના કરતા વધારે ખાડા દેખાય છે.
કમર તોડતા રસ્તાઓ
ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને બહુ મુશ્કેલીનો વેઠવી પડે છે. યુવાનોમાં કમર દર્દનો તેમજ મણકાનો દુખાવો વધી રહ્યો છે. ઉબડ-ખાબડ રસ્તાને કારણે અકસ્માતો પણ સર્જાય છે. વાહન સ્લીપ થઈ જતા ઘટના સ્થળે લોકો મોતને ભેટે છે. ખાડાઓના કારણે ગુજરાતમાં વર્ષ 2021માં 75 લોકોના મોત નિપજ્યાં હતા. તેમજ ખાડાને કારણે શહેરની સરકારી હોસ્પિટલમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે.
મોંઘવારીનું ભારણ
ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકની સાથે સાથે વાહનોને પણ નુકશાન પહોચે છે. તેમજ ધૂળિયા રસ્તાને કારણે અસ્તમાના દર્દીઓને તકલીક સહન કરવી પડે છે. ખરાબ રસ્તાને કારણે વાહન ધીમે ચલાવું પડે છે. અડધો કલાકના રસ્તાનું અંતર કાપતા કલાક થઈ જાય છે. જેથી પેટ્રોલનો વપરાશ પણ વધારે થાય છે. એક તરફ આટલી મોંઘવારી અને બીજી તરફ ખાડાને કારણે વધતો વાહનનો ખર્ચ.
શું આવું છે ગુજરાત મોડલ?
અંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને વિકાસ મોડલ તરીકે ફેમસ કરવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક સ્થળોની તો જાળવણી થાય છે. જેની સીધી અસર સામાન્ય પ્રજાને થવાની નથી. પરંતુ સામાન્ય જનતાને રસ્તાઓથી સીધી જ અસર પડવાની છે. સરકાર ગુજરાતનો વિકાસ બતાવે છે પણ વાસ્તવિક્તામાં ખાડાઓનો પ્રતિદિન વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે.