કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની ટસલ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેરળ સરકારે વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલને મંજુરી આપવામાં રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા વિલંબ મામલે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા છે. કેરળ સરકારે રાજ્યપાલ દ્વારા બિલને મંજુરી આપવામાં આવેલા વિલંબને બંધારણીય અધિકારોનો દુરુપયોગ ગણાવ્યો છે. હવે કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની આ લડાઈમાં સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર સૌની નજર છે.
કેરળ સરકારે શું માગ કરી?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેરળ સરકારે રાજ્યપાલને કોઈ પણ પ્રકારના વિલંબ વિના પેન્ડિગ રહેલા તમામ બિલને સત્વરે મંજુરીની સુચના આપવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુઆત કરી છે. કેરળ સરકારે કહ્યું છે કે રાજ્યપાલ સમક્ષ રજુ કરાવમાં આવેલા બિલને યોગ્ય સમયની અંદર જ નિકાલ કરવામાં માટે તે બંધાયેલા છે.
8થી વધુ બિલ પેન્ડિગ
કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન દ્વારા રાજ્ય સરકારના બિલની મંજૂરીમાં વિલંબ કરવાથી રોકવાના કાનુની અને બંધારણીય ઉપાય કરવાની ગુહાર લગાવી છે. કેરળ સરકારે સુપ્રીમમાં કરેલી અરજીમાં રજુઆત કરી છે કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજ્ય વિધાનસભા દ્વારા પસાર બિલ પર વિચાર કરવામાં વિલંબ કરી રહ્યા છે. તેમના દ્વારા આઠથી વધુ લોક કલ્યાણથી સંબંધીત બિલ પર વિચાર કરવામાં બિનજરૂરી વિલંબ કરીને રાજ્યપાલ તેમના બંધારણીય કર્તવ્યોમાં નિષ્ફળ રહ્યા છે.
કેરળ ત્રીજુ રાજ્ય બન્યું
ઉલ્લેખનિય છે કે કેરળ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલાં પંજાબ સરકાર, તમિલનાડુ સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પંજાબ અને તમિલનાડુ સરકાર પણ તેમના પેન્ડિગ બિલોને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ સરકારે 28 ઓક્ટોબર અને તમિલનાડુ સરકારે 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ વિધાનસભાના 8 બિલ અને તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા 12 બિલ હજુ પણ રાજ્યપાલની મંજુરી વગર પેન્ડિગ પડ્યા છે.