દિલ્હી લિકર પોલીસી કેસમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી હવે સીએમ આવાસ રિનોવેશન કેસમાં પણ વધી છે. કોંગ્રેસના નેતા અજય માકને દિલ્હીના એલજીને પત્ર લખીને આ મામલે તપાસ કરાવવાની માગ કરી છે. મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર કથિત 45 કરોડ નહીં પણ 171 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.
દિલ્હી એલજીએ માગ્યો રિપોર્ટ
કોંગ્રેસના નેતા અજય માકનના પત્ર બાદ હવે દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મુખ્ય સચિવ પાસે આ મામલે સંપુર્ણ રિપોર્ટ માંગ્યો છે. જેમાં સીએમ હાઉસના રિનોવેશન પાછળ થયેલા ખર્ચનો સવિસ્તાર વિવરણ રજુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. પોતાના પત્રમાં અજય માકને આરોપ લગાવ્યો છે કે રિનોવેશનમાં નિયમોનું સંપુર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રિનોવેશન પાછળ ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે આ રિનોવેશન પાછળ 45 કરોડ નહીં પણ 171 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ રીતે ખર્ચાયા 171 કરોડ રૂપિયા
દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અજય માકને પત્રમાં દાવો કર્યો છે કે સીએમ આવાસના નિર્માણ પાછળ 171 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં 22 અધિકારીઓના બંગલા શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે, ફ્લેગસ્ટાફ રોડ પરના સીએમ આવાસની બાજુમાં આવેલા 22માંથી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અથવા ખાલી કરાવવામાં આવ્યા હતા. આ મકાનો તેમને સમયસર ફાળવવામાં આવ્યા ન હતા. આ ખર્ચ ઉપરાંત CWG વિલેજમાં 5 નવા ફ્લેટ પણ ખરીદવામાં આવ્યા હતા. જેની કિંમત 126 કરોડ હતી.