રાજ્યમાં હવે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પહેલા વરસાદ વરસતો હતો પરંતુ તે કમોસમી વરસાદ હતો અથવા તો વાવાઝોડાને કારણે થતો વરસાદ હતો. ત્યારે હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદની ધમાકેદાર બેટિંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તો પાણી ભરાઈ જાય તેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 13.45 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી.
આજે આ જગ્યાઓ પર વરસી શકે છે ધોધમાર વરસાદ
વરસાદને લઈ હવામાન વિભાગએ આગાહી કરી છે તે મુજબ આજે એટલે કે 28 તારીખે વલસાડ, દાદરા નગર હવેલીમાં તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત તેમજ વલસાડમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત, ભરૂચ, ડાંગ તેમજ તાપીમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. અમદાવાદ માટે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આગામી પાંચ દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે.
મંગળવારે અનેક જિલ્લાઓમાં જોવા મળી હતી મેઘમહેર
જો મંગળવારે ખાબકેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત બપોર સુધીમાં ભાવનગર જિલ્લામાં 60 મીમીથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે વલ્લભીપુરમાં 50 મીમી, સુરેન્દ્રનગરમાં 22 મીમી અને અમદાવાદમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. જ્યારે 48 કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં 20 તાલુકામાં 2 ઈંચથી સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
જુલાઈ મહિના માટે અંબાલાલ પટેલે કરી આ આગાહી
જુલાઈ મહિનામાં વરસાદી સિઝન કેવી રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જૂન બાદ જુલાઈ મહિનામાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, જૂન મહિનાના અંતમાં વરસાદ થઇ રહ્યો છે અને જુલાઈના પહેલા સપ્તાહમાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે. જુલાઈ મહિનાની 8 જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 18-19 જુલાઈએ પણ વરસાદની શક્યતા રહેશે.