ચારધામ... આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં અનેરો ઉત્સાહ જાગતો હોય છે. અલગ પ્રકારની લાગણી અનેક લોકોના મનમાં થતી હોય છે. જે લોકોએ ચારધામના દર્શન કર્યા છે તેઓ પોતાના પ્રવાસને યાદ કરતા હોય છે અને જેમણે નથી કર્યા તે કહેતા હોય છે કે જીવનમાં એક વખત ચારધામની યાત્રા કરવી છે. હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. અહીંયા ભારતના ચારધામની વાત નથી થઈ પરંતુ ઉત્તરાખંડના ચારધામ એવા કેદારનાથ ધામ, ગંગોત્રી, યમનોત્રી તેમજ બદ્રીનાથ ધામની વાત થઈ રહી છે. ચારધામ યાત્રાના દર્શનની પૂર્ણાહુતી થવાની શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે ગંગોત્રી ધામના કપાટ બંધ થયા જ્યારે આજે કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે બંધ થશે. ભાઈબીજના દિવસે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે.
બાબા કેદારના જયજયકારથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
ભાઈબીજના પાવન અવસર પર ધામધૂમથી કેદારનાથ ધામના દ્વાર બંધ કરી દેવાયા છે. સવારે 8.30 વાગ્યે મંદિરના કપાટ બંધ કરી દેવાયા છે. જે વખતે દ્વાર બંધ થઈ રહ્યા હતા ત્યારે બાબા કેદારના જયજયકારથી ધામ ગુંજી ઉઠ્યું હતું. મંગળવારે કેદારનાથમાં બાબા કેદારની પંચમુખી મૂર્તિને ભંડારમાંથી મંદિરના એસેમ્બલી હોલમાં ધાર્મિક વિધિઓ અને પૂજા સાથે ખસેડવામાં આવી હતી. આજે સવારે ચાર વાગ્યે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરવામાં આવી. પરંપરા અનુસાર પૂજા કરવામાં આવી હતી. બાબા કેદારના સ્વયંભૂ લિંગને સમાધિનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને તેને ફૂલો, અખંડ, પૂજા સામગ્રી અને રાખથી ઢાંકવામાં આવ્યું હતું.
કેદારનાથ તેમજ યમનોત્રી ધામના કપાટ થયા બંધ
ગંગોત્રી ધામના કપાટ મંગળવારે બંધ થઈ ગયા હતા જ્યારે આજે કેદારનાથ તેમજ યમનોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવશે. કેદારનાથ ધામના કપાટ બંધ થયા બાદ બાબા કેદાર 6 મહિના સુધી સમાધિમાં લીન રહેશે. ડોલીમાં બીરાજમાન થઈ બાબા કેદારની ભોગ મૂર્તિ ઓમકારેશ્વર મંદિર પહોંચશે. શિયાળાના 6 મહિના દરમિયાન કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે બંધ હોય છે. 18 નવેમ્બરના દિવસે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે.
19 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન
વર્ષ 2023 ની ચારધામ યાત્રા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. જેની શરૂઆત મંગળવારે ગંગોત્રી ધામના કપાટ બંધ થવાની સાથે થઈ છે. હવે ભાઈબીજના તહેવાર નિમિત્તે બુધવારના રોજ યમુનોત્રી ધામ અને વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ બંધ કરવામાં આવશે. બંને ધામોના કપાટ બંધ કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કેદારનાથના કપાટ બંધ થયા પછી બાબા કેદારની પૂજા આગામી 6 મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં થશે. મહત્વનું છે કે આ વખતે લાખો ભક્તોએ ચારધામની મુલાકાત લીધી છે. એક રિપોર્ટ અનુસાર 13 નવેમ્બર સુધી કેદારનાથ ધામની મુલાકાત 19 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ લીધી છે.