આપણા હિંદુ ધર્મમાં પૂરૂષોત્તમ મહિનો એટલે કે અધિક મહિનાનું ખૂબ મહત્વ રહેલું છે. એવું પણ કહેવામાં આવે છે કે આ સમયે મંત્ર-જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિના દરમિયાન અનેક કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં પણ જો કોઈ નદીના કિનારે કથાનું આયોજન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળતું હોય છે. ત્યારે કચ્છમાં પ્રથમ વખત સમુદ્રના કિનારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાની વિશેષતા એ હતી કે આ કથાનું રસપાન માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કરાવ્યું હતું.
ધારાસભ્યએ કરાવ્યું કથાનું રસપાન
અનેક લોકો કથાનું આયોજન કરાવતા હોય છે. પરંતુ કોઈ ધારાસભ્ય કથાનું આયોજન કરે તેવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. ત્યારે કચ્છમાં પ્રથમ વખત સમુદ્રના કિનારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવે દ્વારા કરાયું હતું. આ કથામાં અનેક ભાવિકો જોડાયા હતા અને 28 જેટલા દંપત્તિએ આ કથાનો લાભ લીધો હતો. આ કથાનું આયોજન રમણીય બીચ ખાતે કરવામાં આવ્યું હતું. પાંચમા અધ્યાયનું રસપાન ધારાસભ્યએ પોતે કરાવ્યો હતો. કથાનું રસપાન કરાવતી વખતે ધારાસભ્યે લોકોને ઉપદ્દેશ આપ્યો હતો.
કથામાં 21 જેટલા સમુદાયના લોકોએ આપી હતી હાજરી
પોતાના ધાર્મિક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે "દરિયા કિનારે અધિક માસમાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા રહેલો ખાસ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિમાં અધિક માસમાં પૂજાનું મહત્વ રહેલું હોય છે. હાલમાં જી-20 નું પ્રતિનિધિત્વ પણ ભારત પાસે છે અને મુખ્ય ઉદેશ્ય પણ વસુદેવ કુટુંબકમની ભાવનાનો રહેલો છે.વિશ્વના કલ્યાણ અર્થે આ આયોજન કરવામાં આવ્યું હતું." વધુમાં તેમણે કહ્યું કે માંડવીના બીચ પર સમરસ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે 21 સમાજના લોકો જેમાં વાલ્મિકી સમાજ, મહેશ્વરી સમાજ,જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, દર્જી સમાજ, સોલંકી સમાજ, જોગી સમાજ તમામ સમાજો તેમજ 28 જેટલા જોડલા જોડાયા હતા. અહીં પ્રસાદમાં આપવામાં આવેલી તુલસી અને બીલીપત્રના પાન જ મંદિરમાં જ્યારે ચડાવવામાં આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિભેદ રહેશે નહીં.