કર્ણાટક સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે સલામ આરતી હવેથી આરતી નમસ્કાર આરતી તરીકે ઓળખવામાં આવશે. 18મી શતાબ્દીથી સંધ્યા સમયે થતી આરતીને સલામ આરતી કહેવાતી હતી. ટીપુ સુલતાનના સમયથી આરતીને આ નામથી ઓળખવામાં આવતી. પરંતુ રાજ્ય સરકારે આ નામ બદલી દીધું છે.
સલામ આરતીના બદલે મંદિરોમાં થશે નમસ્કાર આરતી
મંદિરોમાં રાત્રીના સમયે આરતી કરવામાં આવે છે. આપણે ત્યાં સંધ્યા આરતી અથવા તો માત્ર આરતી કહેવાય છે. પરંતુ કર્ણાટકના અમુક મંદિરોમાં આ આરતીને સલામ આરતી તરીકે ઓળખવામાં આવે છે. આ નામને બદલા હિંદુ સંગઠોને રજૂઆત કરી હતી. હિંદુ મંદિરોની દેખરેખ રાખતી સ્ટેટ ઓથોરિટી મુજરઈએ શનિવારે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. જે અંતર્ગત દીવતિગે સલામનું નામ બદલી દીવતિગે નમસ્કાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે સલામ આરતીનું નામ નમસ્કાર આરતી દેવામાં આવ્યું છે અને સલામ મંગળ આરતીનું નામ બદલી મંગળ આરતી નમસ્કાર આરતી કરી દેવાયું છે.
કર્ણાટક સરકારે બેઠક કર્યા બાદ લીધો નિર્ણય
મેલકોટમાં એક ઐતિહાસિક ચાલુવનારાયણ મંદિર આવેલું છે જ્યાં રોજે સાંજે 7 વાગે સલામ આરતી એટલે કે મસાલ આરતી કરવામાં આવે છે. આ પરંપરા હૈદર અલી અને ટીપુ સુલતાન સમયથી ચાલી આવી છે. ત્યારે અંદાજીત 300 વર્ષ જૂની પરંપરાને ભાજપ સરકારે તોડી છે. કર્ણાટક સરકારના મંત્રી શશિકલા જોલેએ આ વાતની જાણકારી આપી હતી. કર્ણાટક સરકારે રાજ્ય ધાર્મિક પરિષદની મીટિંગ યોજાઈ હતી જે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.