કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે, રાજ્યની 224 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે યોજાયેલું મતદાન આજે સાંજે સમાપ્ત થઈ ગયું છે, રાજ્યમાં આ વખતે લગભગ વોટિંગ 66 ટકા નોંધાયું છે. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો 13 મેનાં રોજ જાહેર થવાનાં છે. જો કે મતદાન પૂરૂ થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં વિપક્ષ કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહી છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સરકાર બનાવતી જોવા મળી રહી છે તો કેટલાક એક્ઝિટ પોલમાં તે બહુમતથી પાછળ છે. અલગ-અલગ એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો પણ કોંગ્રેસ આગળ છે. સત્તારૂઢ ભાજપને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગશે તેવું એક્ઝિટ પોલના અનુમાનો પરથી જાણવા મળી રહ્યું છે.
શું કહે છે એક્ઝિટ પોલના અનુમાનો?
(1)Times Now ETG Exit Poll Result:
કોંગ્રેસને બહુમતી મળી શકે છે, ભાજપને 78-92 બેઠકો મળી શકે છે Times Now ETG એ તેના એક્ઝિટ પોલમાં ભાજપને 78-92 બેઠકો મળવાની આગાહી કરી છે. તે જ સમયે, કોંગ્રેસને 106 થી 120 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં JDSને 20-26 બેઠકો મળવાની શક્યતા છે. બીજી તરફ અન્યના ખાતામાં બેથી ચાર બેઠકો જઈ શકે છે.
(2)ABP-C Voter Exit Poll:
કોંગ્રેસ બહુમતની નજીક, 100થી 112 બેઠકો મેળવી શકે છે, ABP-C વોટરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતીની નજીક જોવા મળી રહી છે. પાર્ટીને 100 થી 112 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 83થી 95 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 41 અને ભાજપને 38 ટકા બેઠકો મળી શકે છે.
(3)ZEE-Matrize Exit Poll Result:
કોંગ્રેસ છે સૌથી મોટી પાર્ટી, મળી શકે છે 103-118 સીટો ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. આંકડાઓ અનુસાર કોંગ્રેસને 103થી 118 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 79થી 94 અને જેડીએસને 25થી 33 બેઠકો મળી શકે છે. 2 થી 5 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે. ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર જેડીએસની ભૂમિકા કિંગ મેકરની હોઈ શકે છે.