બ્રિજભૂષણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજો માગ કરી રહ્યા છે. પોતાના પદ ઉપરથી WFIના પ્રમુખની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પહેલવાનોના સમર્થનમાં અનેક રાજનેતાઓ આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય પાર્ટી આ મામલે આક્રામક દેખાઈ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બિલે બ્રિજભૂષણ શરણ સિંહ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે પીએમ મોદીએ કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપી તે અંગે સવાલ પૂછ્યા છે. પીએમ મોદી અને ભાજપના નેતાઓ દ્વારા સેવાતા મૌનને લઈ પ્રશ્ન પૂછ્યા છે. આ મામલે સિબ્બલે ટ્વિટ કરી છે.
કપિલ સિબ્બલનો સરકારને કટાક્ષ!
પહેલવાનો દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈ દરેક જગ્યા પર ચર્ચા થઈ રહી છે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા આવી છે પરંતુ આ મામલે ભાજપના નેતાઓની અને મુખ્યત્વે પીએમ મોદીની કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ વાતને લઈ કપિલ સિબ્બલે સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે કપિલ સિબ્બલે ટ્વિટ કરી લખ્યું કે મામલાની તપાસ કરવા માટે સબૂત પુરતા છે. લોકોમાં તેમના પ્રત્યે રોષ વધી રહ્યો છે. પરંતુ હજી સુધી તેમની ધરપકડ નથી થઈ અને પીએમ મોદી, અમિત શાહ, બીજેપી અને આરએસએસ ચૂપ છે. સરકાર બધાની સાથે નથી પરંતુ માત્ર બ્રિજભૂષણ શરણ સિંહની છે.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું મળ્યું સમર્થન!
પહેલવાનોના સમર્થનમાં ખેલાડીઓ ધીમે ધીમે આવી રહ્યા છે. ગઈકાલે જ પહેલવાનોના સમર્થનમાં કપિલ દેવની વર્લ્ડ કપ વિજેતા ટીમ આવી છે. વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન વહાવવાની અપીલ કરી છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ 5 જૂનના રોજ અયોધ્યામાં રેલી કરવાના હતા પરંતુ તેમના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે.