પુસ્તકને માણસનો સૌથી સારો મિત્ર માનવામાં આવે છે. વાંચન કરવાથી માણસના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં એવા અનેક સાહિત્યકારો થઈ ગયા જેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે ભવન્સ કોલેજમાં ડો. કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવવાનું છે. પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુના હસ્તે ભારતીય વિદ્યા ભવનના આદ્યસ્થાપક, લોકપ્રિય ગુજરાતી લેખક અને કુલપતિની પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે.
અનેક પુસ્તકો અને લેખોને કરાયા છે ડિજિટાઈઝ
પ્રતિમાના અનાવરણ ઉપરાંત ભવન્સ કોલેજ ખાતે નિર્મિત સ્વ. કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલય ખાતે તેમના ડિજિટાઈઝડ કરાયેલા લેખસંગ્રહને પણ જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે. કાન્તિભાઈના પત્ની અને જાણીતાં પત્રકાર શીલા ભટ્ટ દ્વારા અનેક પુસ્તકો તેમજ લેખનોને અર્પણ કરવામાં આવ્યા હતા. અંદાજીત 1600થી વધુ પુસ્તકો અને અંદાજે 16000 જેટલા કાન્તિભાઈના લેખોને ડિજિટાઈઝ કરવામાં આવ્યા છે જેને વાંચકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.