પોતાના ફિલ્મને અથવા તો વેબસિરીઝને પ્રમોટ કરવા કલાકારો અનેક સ્ટંટ કરતા હોય છે. ફિલ્મ નજીક આવતા લોકો વચ્ચે જવાનું કલાકારો પસંદ કરતા હોય છે. કોઈ ફિલ્મી સ્ટાર્સ જ્યાં આસાનીથી સામાન્ય લોકો મળી જતા હોય ત્યાં જવાનું પસંદ કરે છે તો કોઈ પબ્લિસીટી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પોતાની પોસ્ટને લઈ કાજોલ ટ્રોલ થઈ રહી છે.
ગઈકાલે સોશિયલ મીડિયા પરથી સંન્યાસ લેવાની કરી હતી જાહેરાત!
ટૂંક સમયમાં કાજોલની વેબસિરીઝ ધી ટ્રાયલ આવી રહી છે. પરંતુ તે વેબસિરીઝ રિલીઝ થાય તે પહેલા જ કાજોલ ટ્રોલ થઈ રહી છે. 9 જૂનના રોજ સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કાજોલે કરી હતી. ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. અને તે બાદ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છું. આની સાથે એક ફોટો શેર કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે પોતાના જીવનની સૌથી મુશ્કેલ ટ્રાયલને ફેસ કરવા જઈ રહી છું. આ પોસ્ટને લઈ કાજોલના ફેન્સમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. એવું તો કાજોલના જીવનમાં શું બન્યું કે તે સોશિયલ મીડિયા છોડવા માગે છે સહિતના અનેક વિચારો લોકો કરી રહ્યા હતા.
#ShameOnKajolHotstar સોશિયલ મીડિયા પર થયું ટ્રેન્ડ!
કાજોલ ત્યાં સુધી ટ્રોલ થઈ ન હતી. પરંતુ તેની બાદ જે પોસ્ટ કરવામાં આવી તેને કારણે સોશિયલ મીડિયા પર કાજોલ ટ્રેન્ડ થઈ રહી છે. બીજા પોસ્ટમાં તેમણે લખ્યું કે 12 જૂને મારો કોર્ટ રૂમ ડ્રામા #HotstarSpecials #TheTrial - પ્રેમ કાયદો દગોનું ટ્રેલર જોજો. #TheTrialOnHotstar।” વીડિયોમાં કાજોલને એક વકીલના બ્લેક યુનિફોર્મમાં ગંભીર હાવભાવ સાથે જોઈ શકાય છે. આનું ટ્રેલર 12 જૂને રિલીઝ થવાનું છે. આ પોસ્ટ થયા બાદ કાજોલની આગળની પોસ્ટ પણ દેખાવા લાગી હતી. યુઝર્સે આને પબ્લીસિટી સ્ટંટ ગણયો અને લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે કાજોલ માટે હસવામાંથી ખસવું થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.