હિંદુવાદી કાર્યકર કાજલ હિન્દુસ્થાની વિરુદ્ધ ફરી એક FIR નોંધવામાં આવી છે. તેમની સામે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કાજલ વિરુદ્ધ મુંબઈમાં આવેલા મીરા રોડ વિસ્તારમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈમાં નોંધાઈ FIR
મળતી વિગતો મુજબ 12 માર્ચના રોજ મુંબઈમાં સકલ હિંદુ સમાજ દ્વારા હિંદુ આક્રોશ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્થાનીએ ભાષણ આપ્યું હતું જે લોકોને ભડકાવનારું હતું,જેના કારણે તેમના ઉપર પોલીસે FIR નોંધી છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ પોલીસે કલમ 153A અને 505(2) હેઠળ કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ કાજલ આવા ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં આવી ચૂક્યા છે.
ગીર સોમનાથમાં પણ નોંધાઈ હતી ફરિયાદ
અગાઉ રામ નવમીના દિવસે ગીર સોમનાથના ઉના શહેરમાં કાજલ હિન્દુસ્થાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગદીલી સર્જાઈ હતી.આ મામલે કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ થઈ હતી.
કોણ છે કે કાજલ હિન્દુસ્થાની?
કાજલ હિન્દુસ્થાનીનું સાચું નામ કાજલ સિંગાળા છે. વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં જોડાયા બાદથી તે ચર્ચાનો વિષય બન્યા હતા. કાજલ હિન્દુસ્થાની રાજસ્થાનના બ્રાહ્મણ પરિવારના છે. તેણીએ ગુજરાતના સિંગલા પરિવારમાં લગ્ન કર્યા હતા. કાજલ પોતાનો પરિચય એક હિંદુવાદી કાર્યકર તરીકે આપે છે. તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ફોલો કરવામાં આવે છે. જ્યારે તેણીને તેમની અટક માટે નિશાન બનાવવામાં આવી હતી, ત્યારે તેણીએ તેમનું નામ કાજલ સિંગાળાથી બદલીને કાજલ હિન્દુસ્થાની કરી દીધું હતું.