ગીર સોમનાથના ઉનામાં રામનવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના ગુનામાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. રામનવમીના તહેવારે ઉનામાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપતા કોમી અથડામણ અને વિરોધ પ્રદર્શન થયા હતા.
કાજલ હિન્દુસ્તાની સામે નોંધાઈ હતી FIR
કાજલ હિન્દુસ્તાની સામે ઉનામાં ફરિયાદ નોંધાયા બાદ તેણે નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. 40 વર્ષીય કાજલ હિન્દુસ્તાનીની આજે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દેતા હવે તેને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવી છે.
કાજલ હિંદુસ્તાની પર આરોપ શું છે?
રામનવમીના પ્રસંગે ઉના શહેરના ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજનમાં જેમાં તેજાબી વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીએ ચોક્કસ સમુદાય વિશે લવ જેહાદ સહિતના મુદ્દાઓ પર ભડકાઉ ભાષણ આપતા ભારે તંગદીલી સર્જાઈ હતી. ઉનાના કુંભારવાડામાં પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. કાજલના નિવેદન બાદ એક સમાજ દ્વારા ઉના બંધનું એલાન અપાયું હતું. બાદમાં પોલીસે 70 લોકોની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહીની ઉઠી હતી માગ
કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ 31 માર્ચે મુસ્લિમ સમાજના લોકોએ વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરીને કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કર્યો હતો. બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપી હતી. જે બાદ કાજલ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 295 (A) હેઠળ FIR નોંધી હતી.