સરકારી નોકરીની કાગડોળે રાહ જોઈ રહેલા રાજ્યના હજારો ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)ના ચેરમેન હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંને પરીક્ષાનું રિઝલ્ટ એક સાથે જાહેર
જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે 3437 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું રીઝલ્ટ ડિક્લેર કર્યું છે. બંનેના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર આવી ગયા છે. હજારો ઉમેદવારો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી.
ક્યારે યોજાઈ હતી બંને પરીક્ષા?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા 9 એપ્રિલના રોજ 1181 જગ્યા માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા બપોરે 12.30 કલાકથી 1.30 કલાક દરમિયાન યોજવામાં આવી હતી. રાજ્યના 32 જિલ્લાના 3 હજાર પરીક્ષા કેન્દ્રો 7.28 લાખ ઉમેદવારોએ આ સરકારી નોકરીની પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્ક બાદ મે મહિનામાં તલાટીની પરીક્ષા પણ યોજાઇ હતી. 7 મે, 2023ના રોજ બપોરે 12.30થી 1.30 દરમિયાન તલાટીની પરીક્ષા યોજાઇ હતી. તે દિવસ ગુજરાતના 2697 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડમાં 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા તલાટીના 3437 પદ માટે યોજાઈ હતી.