રાજ્યમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે નિર્વિઘ્ને પુરી થઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પરીક્ષાર્થીઓ સહિત વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉમેદવારો છેલ્લા બે વર્ષથી આ પરીક્ષાને લઈ તૈયારીઓ કરી રહ્યા હતા, પણ અવારનવાર પેપર લીકની ઘટનાઓ કે અન્ય વહીવટી કારણોથી પરીક્ષા યોજાવામાં વિઘ્ન આવતું રહ્યું હતું.
7.28 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા
રાજ્યમાં આજે 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ન આવ્યે આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પરીક્ષાને લઈ વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવ્યા હતા. કેન્દ્રમાં પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરાયુ હતું. પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરાઈ છે. ઉમેદવારો માટે એસટી તંત્રએ 6 હજારથી વધુ બસ દોડાવી હતી.
જુનિયર ક્લાર્કનું પેપર અઘરૂ હતું?
જુનિયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થયા બાદ પરીક્ષા ખંડમાંથી બહાર આવીને ઉમેદવારોએ પરીક્ષા અંગે કહ્યું કે પેપર વધુ લાંબુ હોવાને કારણે સમય ખુટ્યો હતો. પંચાયતી રાજ, જોડકા સહિત ઇતિહાસના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇંગ્લિશ અને ગણિતના પ્રશ્નોમાં સમય વધારે બગડ્યો હતો. આ વખતે મેરીટ નીચું રહેવાની શક્યતા ઉમેદવારોએ દર્શાવી છે.
પરીક્ષાનું રિઝલ્ટ જૂન મહિનામાં આવશે
જુનિયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થયા બાદ હવે પરીક્ષાર્થીઓની નજર પરિણામ પર છે. જો કે આ અંગે પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે જણાવ્યું હતુ કે, જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવવાનું છે. અત્રે ઉલ્લેખનિય છે કે પરીક્ષામાં આજે કોઇપણ જગ્યાએ કોઇ જ ગેરરીતિ સર્જાઇ નથી.