લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગે થોડા સમય પહેલા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અતુલ ચગે આત્મહત્યા કરતા સમયે સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને નારણભાઈ ચુડાસમાનું નામ લખ્યું હતું. પોલીસને સુસાઈડ નોટ મળી હતી પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પ્રથમ વખત સાંસદ રાજેશ ચૂડાસમાએ નિવેદન આપ્યું છે અને કાર્યવાહીમાં સહકાર આપવાની વાત કરી છે. પોતાના સંબોધનમાં તેમણે સ્વીકાર્યું કે ડોક્ટર ચગ સાથે તેમના પારિવારિક સંબંધો હતા.
સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમાનો કર્યો હતો ઉલ્લેખ
વેરાવળના જાણીતા ડો. અતુલ ચગે આપઘાત કર્યો હતો. તેમના આપઘાતને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી આ અંગે કાર્યવાહી કરવામાં આવી ન હતી. ડો. ચગ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે હું નારાણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરૂ છું. આ ચિઠ્ઠીમાં ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો.
આ મામલે પહેલી વખત બોલ્યા જૂનાગઢના સાંસદ
મૃતકના પુત્રએ આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ પ્રકારની કાર્યવાહી ન કરાતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ હાઈકોર્ટે ડીઆઈજી, એસપી તથા પીઆઈને નોટીસ ફટકારી હતી. 28 માર્ચના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ બધા વચ્ચે સાંસદ રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યું છે જેમાં કહ્યું કે ડો. ચગ સાથે તેમના પારિવારીક સંબંધ હતા અને આ સંબંધ 35 વર્ષો જૂના હતા. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ચગ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. ઉપરાંત તેમણે કહ્યું કે પોલીસ તપાસમાં તે પૂરી રીતે સહયોગ કરશે.