સરકારી હોસ્પિટલો રામ ભરોસે ચાલી રહી છે, સરકારી હોસ્પિટલના તબીબો, નર્સો તથા અન્ય સ્ટાફની ગેરહાજરીથી સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલોમાં તબીબી સારવાર લેવી પડે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડીથી વાકેફ ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની આ ત્રીજી વખત મુલાકાત હોવા છતાં પણ સ્થિતી જેમની તેમ જોવા મળી હતી. ધારાસભ્યે સિવિલના ડીનને વારંવાર ફોન લગાડ્યો હોવા છતાં તેમણે પણ ફોન રિસીવ કર્યો ન હતો.
ઓપિડી બંધ રહેતા MLA વિફર્યા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત અંગે ધારાસભ્યએ જણાવ્યું કે, ડોક્ટરો સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, શનિવારે ઓપીડી બંધ હોય છે. પરંતુ 2022ના સરકારના પરિપત્ર પ્રમાણે સોમથી શનિ સવારે 9 થી 1 અને 4 થી 8 ઓપીડી શરૂ રાખવાની હોય છે. તેમજ રવિવારે પણ અડધો દિવસ ઓપીડી શરૂ રાખવાનો સરકારનો પરિપત્ર છે. તબીબ અધિક્ષક નયના નકુમને ફોન કરતા તેમને કહ્યું હતું કે, અમે મૌખિક રજૂઆત કરેલી છે. ધારાસભ્યએ કહ્યું કે, આ કોઈ પ્રાઇવેટ પેઢી નથી કે મૌખિક રજૂઆત ચાલે. જૂનાગઢ સિવિલની ઓપિડી બંધ રહેતા MLA સંજય કોરડીયાએ વિફર્યા હતા અને તેમણે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો હતો.
ધારાસભ્યએ ટ્વીટ કરી આક્રોસ વ્યક્ત કર્યો
ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની તેમની મુલાકાત અંતે ટ્વીટ કરીને આક્રોસ વ્યક્ત કરતા લખ્યું હતું કે "ઘણા લોકોની ફરિયાદ હતી કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બપોર પછીના સમયમાં ઓ.પી.ડી વિભાગ બંધ હોય છે, ડૉક્ટર્સની ગેરહાજરી હોય છે. આજે ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ માટે પહોંચ્યો અને મેં વિભાગની બેદરકારી જોઇ. જૂનિયર અને સિનિયર સ્ટાફના ભરોસે ઓ.પી.ડી. મૂકીને ડ્યૂટી મૂકીને જતાં રહેતાં ડૉક્ટર્સની ગેરરીતી ચલાવી નહીં લેવાય. ગરીબ લોકો અને પીડાતા દર્દીઓ સાથેની આ વર્તણૂક યોગ્ય નથી. આ દિશામાં યોગ્ય પગલાં જલદી લઈશું !"