સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવતા યુવક-યુવતીઓ માટે ચેતવણીરૂપ સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા એક યુવતીના સંપર્કમાં આવેલા જૂનાગઢના એક યુવકને તે યુવતીએ બ્લેક મેઈલ કરતા અંતે તેણે મોતને વ્હાલુ કર્યું હતું. આ સમાચારથી પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરતી ટોળકીના ચક્કરમાં ફસાયેલા જૂનાગઢના દડવા ગામના યુવકની સ્ટોરી જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
જૂનાગઢના દડવા ગામના અમિત રાઠોડ નામના યુવકનો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. યુવતીએ વીડિયો કોલ કરી અમિતને પોતાની વાતોમાં ફસાવ્યો હતો. વીડિયો કોલ કરીને યુવતીએ અમિતનો બીભત્સ વીડિયો બનાવી લીધો હતો. અને ત્યાર બાદ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. યુવકના ન્યૂડ વીડિયો બનાવી અલગ અલગ નંબર પરથી ફોન કરી પૈસાની માંગણી કરવામાં આવતી હતી. યુવકે યુપીઆઈ દ્વારા 48, 500 રૂપિયા આપી પણ દીધા હતા. તેમ છતાં વધુ પૈસા મંગતા અંતે તે યુવકે 18 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. હાલ તો પોલીસે યુવકને આત્મહત્યા કરવા મજબુર કરનાર ટોળકીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.